Get The App

શ્રી શિવ ટ્રાન્સપોર્ટના માલિક ફરાર : બાયો ડિઝલના બદલે હાઇડ્રો કાર્બન કેમિકલ હતું

સુરતની ઓસિયન ગ્રીન કંપનીમાંથી કેમિકલ લાવવામાં આવ્યું હોવાનો બિલ્ટીમાં ઉલ્લેખ

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
શ્રી શિવ ટ્રાન્સપોર્ટના માલિક ફરાર : બાયો ડિઝલના બદલે  હાઇડ્રો કાર્બન કેમિકલ હતું 1 - image

 વડોદરા, દશરથ ગામે શ્રી શિવ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બાયોડીઝલના નામે કેમિકલનો ગેરકાયદે ચાલતો વેપાર પીસીબીએ ઝડપી પાડી ૩૨.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને ત્રણ આરોપીઓને પકડી લીધા હતા.તેઓના કોરોનાના રિપોર્ટ નેેગેટિવ આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.

પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે,અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર દશરથ ગામ પાસે શ્રી શિવ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં બાયોડીઝલના નામે કેમિકલનો ગેરકાયદે વેપાર ચાલે છે તેમજ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં એક કેબિન પણ બનાવાઇ છે જેમાં કેમિકલનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે  પીસીબીની ટીમે ગઇકાલે દરોડો પાડયો હતો. ટ્રાન્સપોર્ટની કેબિનમાં બાયોડીઝલના નામે એક ટેન્કમાં કેમિકલ ભર્યું હોવાનું જણાયું હતું.

આ કેમિકલ થોડા સમય પહેલાં જ એક ટેન્કરમાં લાવીને સ્ટોર કરવામાં આવ્યું હતું. જે ટેન્કરમાં કેમિકલ લવાયું તે ટેન્કર પણ ત્યાં જ ઊભું હતું. આ ઉપરાંત ટેન્કમાંથી નોઝલ મારફતે અનેક વાહનોમાં કેમિકલ ભરી આપનાર ફીલર પણ ઘટનાસ્થળેથી ઝડપાઇ ગયો હતો. પોલીસે ટેન્કમાં ભરેલ રૃા.૧૭.૧૧ લાખ કિંમતનું ૨૬,૩૪૬ લીટર કેમિકલ અને રૃા.૨૦ લાખની ટેન્કર કબજે કરી હતી. પોલીસે આ ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન, રોકડા ૮,૨૪૦ સહિત કુલ રૃપિયા ૩૨.૭૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.પોલીસે (૧) માધવ કિશનલાલ શર્મા (રહે.એમ.પી.હાલ રહે.શ્રી શિવ ટ્રાન્સપોર્ટ) (૨) રાકેશ રામપ્યારે યાદવ (રહે.દશરથ ગામ) અને (૩) જશવીંદરસીંગ હાકમસીંગ મથારૃ (રહે.વિજયનગર, ન્યૂ સમારોડ)ની ધરપકડ  કરી છે.

ટેન્કરમાંથી જે બિલ્ટી મળી હતી.તેમાં કેમિકલનું નામ હાઇડ્રો કાર્બન લખેલું હતું.જોકે, ખરેખર કયુ  કેમિકલ છે ? તે જાણવા માટે પોલીસે એફ.એસ.એલ.ની મદદ લીધી છે.કેમિકલ મોકલનાર તરીકે ઓસિયન ગ્રીન એનર્જી (ઠે.સેલિબ્રિટી ગ્રીન્સ અભવારોડ, સુરત) તેમજ લેનાર તરીકે વરૃણ ટ્રેડર્સ, શ્રીરંગ સોસાયટી,ફતેગંજ નું નામ સરનામું લખ્યું હતું.પીસીબી પી.આઇ.જે.જે.પટેલે જણાવ્યું હતું કે,મુખ્ય આરોપી મિતેશ  પટેલ (રહે.અમિતનગર સોસાયટી,કારેલીબાગ) હજી મળી આવ્યો નથી.તેમજ અન્ય એક આરોપી અજય શાહ (રહે.સરસ્વતી, શ્રીરંગ સોસાયટી,ફતેગંજ)ની પણ શોધખોળ ચાલુ છે.આ બંને શિવ ટ્રાન્સપોર્ટના માલિક છે.