Get The App

શહેરની એકમાત્ર ગણપતિની પ્રતિમા કે જેનું વિસર્જન થતું નથી

- 'વિસર્જનના દિવસે પાંચ પવિત્ર નદીના જળનો માત્ર છંટકાવ થાય છે'

- પાંચ વર્ષ પહેલા સૂરસાગરનું પાણી પ્રદૂષિત થતાં મૂર્તિનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય લીધો

Updated: Sep 2nd, 2019

GS TEAM

Google News
Google News
શહેરની એકમાત્ર ગણપતિની પ્રતિમા કે જેનું વિસર્જન થતું નથી 1 - image


વડોદરા, તા.2 સપ્ટેમ્બર 2019, સોમવાર

ગણેશોત્સવની શરુઆત થઈ ચૂકી છે. ઠેર-ઠેર બાપ્પા મોરિયાના નાદ સાથે ઘરમાં અને પંડાલોમાં ગણપતિની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે. દસમાં દિવસે આ તમામ મૂર્તિઓનું વિસર્જન થશે. પરંતુ શહેરના એક ગણપતિ એવા છે જેમની દસ દિવસ પૂજા કર્યા બાદ વિસર્જન કરાતું જ નથી. 

છેલ્લા ૪૫ વર્ષથી રાજમહેલ રોડ પર ખોડી આમલી પોળમાં બાળ પ્રગતિ યુવક મંડળ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે, અને તેનું સૂરસાગરમાં વિસર્જન પણ થતું હતું. પરંતુ વર્ષ ૨૦૧૪માં સૂરસાગરમાં વિસર્જન સમયે જ્યારે અનેક જળચર પ્રાણીઓ મોતને ભેટયા અને તળાવનું પાણી પ્રદૂષિત થયું ત્યારે યુવાનોએ પંડાલમાં સ્થાપિત 'ઈચ્છામૂર્તિ ગણેશ'ની મૂર્તિનું વિસર્જન ન કરવાનું નક્કી કર્યું. જેથી ૨૦૧૫થી આ મૂર્તિને ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં સાચવીને મૂકી દેવાય છે.

યુવક મંડળના સભ્ય અશ્વિન પ્રજાપતિએ કહ્યું કે, લેજિમ અને ઢોલના નાદે ગણપતિજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ વિસર્જનના દિવસે ખંડેરાવ માર્કેટ સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે. બાદમાં પંડાલ પાસે જ ૧૦૮ અથર્વશીષ પારાયણ સાથે મૂર્તિ ઉપર યમુના, ગંગા, નર્મદા, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી પાંચ પવિત્ર નદીના જળનો છંટકાવ કરવામાં આવે છે. અને આજ નદીના જળમાં નાની ગણપતિની મૂર્તિનું વિસર્જન કરાય છે.

મૂર્તિ માટે લાલબાગચા રાજાના ૨૫૦ સ્કેચ બનાવડાવ્યા

મુંબઈના પ્રસિધ્ધ લાલ બાગચા રાજા જેવી જ મૂર્તિ બનાવવા માટે ૨૫૦ સ્કેચ બનાવડાવ્યા હતા. ત્યારબાદ શહેરમાં રહેતા ત્રણથી ચાર બંગાળી કલાકારોએ ૧૮ ફૂટની ગણપતિની આ મૂર્તિ પાંચ વર્ષ પહેલા તૈયાર કરી હતી. ગણપતિ માટે ૩૦ જુદા-જુદા રંગની ધોતી સીવડાવી છે જેને દરરોજ બદલાવામાં આવે છે. 

ગણેશોત્સવમાં યુવાધન ફિલ્મી ગીતો પર ડાન્સ કરતું થઈ ગયું છે

દેશની આઝાદી માટે લોકો એકજૂથ થાય તે માટે લોકમાન્ય ટિળકે પારંપરિક રીતે ગણેશોત્સવ ઉજવાની શરુઆત કરી હતી. જ્યારે આજે ગણેશોત્સવનો મર્મ જ બદલાઈ ગયો છે. ગણપતિના આગમન અને વિસર્જન સમયે ડીજેના મોટા-મોટા અવાજોમાં ફિલ્મી ગીતો પર યુવાનો ડાન્સ કરતા થઈ ગયા ર્છે, તેમ અશ્વિન પ્રજાપતિનું કહેવું છે.

Tags :