Updated: May 26th, 2023
image : freepik
વડોદરા,તા.26 મે 2023,શુક્રવાર
વડોદરા શહેરના ભુતડીજાપા વિસ્તારમાં ભરાતું શુક્રવારી બજારની હદ ચિંતાજનક વિસ્તરતા શ્રીનાથ પેટ્રોલ પંપથી કારેલીબાગ પાણીની ટાંકી તરફનો માર્ગ ટ્રાફિકના કારણે લોકો માટે માથાનો દુખાવો બન્યો હતો. ત્યારે હવે તંત્રએ નિયમ મુજબ શુક્રવારી બજારની હદ સીમિત કરતા લોકોને રાહત થઈ છે.
વડોદરા શહેરના ભૂતડી ઝાપાથી કારેલીબાગ તરફના માર્ગ ઉપર શુક્રવારી બજાર છેલ્લા ઘણા મહિનાઓથી નિયમ વિરુદ્ધ ભરાતું હતું. જેના કારણે સ્થાનિક રહીશો તથા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરતા હતા. આ બાબતે સ્થાનિક કાઉન્સિલર મનોજ પટેલ અને બંદિશ શાહે રજૂઆત કરી હતી કે, શુક્રવારી બજારની હદ નિયમ મુજબ સીમિત રહેવી જોઈએ. તેમજ બજારનો જે મૂળ ઉદ્દેશ હતો તે હાલ સિદ્ધ થતો નથી. લોકો બહારથી આવી ફ્રેશ વસ્તુઓ વેચી રહ્યા છે. જેના કારણે કોર્પોરેશનને આજે શ્રીનાથ પેટ્રોલ પંપ થી કારેલીબાગ પાણીની ટાંકી તરફના રસ્તા ઉપર શુક્રવારી બજાર ન ભરાય વહેલી સવારથી ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અને શુક્રવારી બજાર માત્ર નિયમ મુજબ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ફરતે ગરનાળા પોલીસ ચોકી થી બાળ ગોકુલ હોમ સુધી રહેશે. કોર્પોરેશનની દબાણ શાખા અને પોલીસ પ્રશાસન દબાણ ન થાય તે માટે સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. શુક્રવારી બજાર ન આ માર્ગ ઉપર ન ભરાતા સ્થાનિકોને હાસકારો થયો હતો અને વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો હતો. તો બીજી તરફ હવે શુક્રવારી બજાર ભૂતડીઝાપાથી ફતેપુરા ચાર રસ્તા તરફ ન વિસ્તરે તેનું પણ તંત્ર એ ધ્યાન રાખવું પડશે.