ડે.મ્યુ.કમિશનર રમેશ મેરજાના નામે ફેસબુક આઇડીથી ઓનલાઇન છેતરપિંડી
છ અલગ અલગ બનાવટી આઇ બનાવાયા
ફેક આઈડીથી મિત્રને મેસેજ કરી ૫૭ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાઃ આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદ,
શુક્રવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર રમેશ મેરજા તેમજ તેમના પરિવારના સભ્યોના ફોટાઓનો ઉપયોગ કરીને ફેસબુક પર અલગ અલગ છ બનાવટી આઈડી બનાવીને એક ગઠિયાએ રમેશ મેરજાના મિત્રને મેસેજ કરીને રૂપિયા ૫૭ હજાર ઓનલાઇન મેળવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ મથકે નોંધવામાં આવી છે. આઇપી એડ્રેસના આધારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજાના નામે આબાદ છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં તેમને આશરે દોઢ મહિના પહેલા તેમના એક મિત્રએ ફોન કરીને કહ્યું હતું કે તેમના નામે કોઇએ ફેસુબુકમાં બનાવટી આઇડી બનાવ્યું છે. જેના પરથી મેસેજ આવ્યો હતો તેમના મિત્ર સંતોષકુમારને ફર્નિચર વેચાણ કરવાનું છે. અને તેની બદલી થઇ હોવાથી નાણાંની જરૂર છે. જેથી વિશ્વાસ કરીને ગુગલ પે થી ૫૭ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. જેથી આ બાબતને ગંભીરતાથી લઇને રમેશ મેરજાએ તપાસ કરતા તેમના નામે ફેસબુક પર અલગ અલગ છ બનાવટી એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા. જેથી તાત્કાલિક ફેસબુકના તમામ બનાવટી આઇડી પર રિપોર્ટ કરીને બંધ કરાવવા માટે સુચના આપી હતી. સાથેસાથે આ અંગે આનંદનગરમાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ટેકનીકલ સર્વલન્સના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.