દહેગામ શિવ શક્તિ શોપિંગ સેન્ટરની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : અઢી લાખના માલની ચોરી
શટરના નકુચા તોડી સિગરેટ તમાકુ ગુટકા સહિતનો માલ ઉઠાવી ગયા અગાઉ આ જ પેટર્નથી બાલમુકુંદ કોમ્પ્લેક્ષમાં પણ ચોરી થઈ હતી
દહેગામ : ઘર ફોડિયા તસ્કરો માટે દહેગામ સોફ્ટ ટાર્ગેટ બનતું જાય છે. રાત્રી પેટ્રોલિંગ કરતી પોલીસને થાપ આપી અને તસ્કરો શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાથ ફેરો કરતા રહ્યા છે. થોડાક સમય પહેલા શહેરના એક કોમ્પ્લેક્સમાં એક દુકાનના નકુચા તોડી રોકડને બદલે માત્ર માલ ઉઠાવી ગયા હતા તે જ રીતે વધુ એક વખત ગધરાત્રીએ એક દુકાનના તાળા તોડી તસ્કરો સિગરેટ ગુટકા અને તમાકુના ડબા સહિતનો માલ ઉઠાવી ગયા છે.
દહેગામ શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રોડ પર આવેલ શિવ
શક્તિ સોસાયટીમાં રહેતા હિરેનભાઈ પ્રજાપતિ સોસાયટીની બહાર આવેલ શિવ શક્તિ
કોમ્પલેક્ષમાં બહુચર સ્ટોર્સના નામે પાન મસાલા ના હોલસેલના વ્યવસાય સાથે સંકળાયેલા
છે. ગત રાત્રીએ કેટલાક અજાણ્યા ઇસમો તેમની દુકાનના શટરના નકુચા તોડી દુકાનમાં
પ્રવેશ્યા હતા અને મોંઘી સિગારેતોના ખોખા,
મસાલાની તમાકુના ડબ્બા નું કાર્ટુન તેમજ વિવિધ બ્રાન્ડ ની ગુટખાઓ નો મોટો
જથ્થો મળી અંદાજે રૃપિયા અઢી લાખનો માલ ચોરી ગયા હતા. દુકાનના દરાજમાં રહેલ રોકડ
સિક્કાઓને તસ્કરો અડયા પણ નહોતા પરંતુ મોંઘા ભાવના સામાનનો હાથ ફેરો કરી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ આ જ રીતે શહેરના બાલમુકુંદ કોમ્પ્લેક્સ માં
આવેલ એક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મોટી કિંમતનો માલ ચોરી ગયા હતા.