Get The App

કેનેડાની વર્કપરમીટ આપવાના બહાને લાખો રૃપિયાની છેતરપિંડી

Updated: Aug 30th, 2023

GS TEAM


Google News
Google News
કેનેડાની વર્કપરમીટ આપવાના બહાને લાખો રૃપિયાની છેતરપિંડી 1 - image


કુડાસણની પેલીકન ઇમીગ્રેશન કન્સલ્ટન્સી દ્વારા

સીઆઇડી ક્રાઇમમાં ગુનો દાખલ થયા બાદ ઓફિસમાં તપાસ કરતા બનાવટી વર્ક વિઝા મળી આવ્યાઃમોટુ કૌભાંડ ખુલશે

ગાંધીનગર :  હાલમાં લોકોને વિદેશ મોકલવાની લાલચ આપીને લાખોની છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરના કુડાસણમાં પેલીકન ઇમીગ્રેશન કન્સલ્ટન્સી દ્વારા કેનેડાના વર્ક વિઝાના બહાને ૪૮ લાખ રૃપિયાની છેતરપિંડી નરોડાના રહિશ સાથે કરવામાં આવી છે અને આ સાથે અન્ય લોકો પણ ભોગ બન્યા છે ત્યારે ત્રણ વ્યક્તિઓ સામે સીઆઇડી ક્રાઇમમાં ગુનો દાખલ થયા બાદ ઓફિસમાં તપાસ કરતા કેનેડાના બોગસ વર્કવિઝા પણ મળી આવ્યા છે જેને પગલે તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, અમદાવાદના નરોડા કઠવાડા રોડ ઉપર શ્રીનાથ હાઇટ્સમાં રહેતા વિરેલ બળદેવભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગત ફેબુ્રઆરી મહિનામાં કેનેડા જવાની ચર્ચા કરી હતી તે સમયે તેમના મિત્રના પિતરાઇ ભાઇ પાર્થ દિપકકુમાર જાની નામના એજન્ટને ઓળખે છે અને તે વર્ક પરમીટ વિઝાની સાથે પરમેનેન્ટ રેસીડેન્સીનું કરી આપે છે જેથી વિરલ ભાઇએ કુડાસણ ઉગતી કોર્પોરેટ ખાતે આવેલી પેલીકન ઇમીગ્રેશનમાં પાર્થ જાનીની મુલાકાત કરી હતી અને વિરલભાઇ અને તેના જીજાજી દર્શનભાઇ જયંતિભાઇ પટેલ રહે. સરઢવ સહિત કુલ છ વ્યક્તિઓના વર્ક પરમીટ વિઝાના પીઆર કરી આપવાની લાલચ આપીને એક ફેમેલીના ૫૮ લાખ લેખે ૧.૧૬ કરોડનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો. બાદમાં વિરલભાઇએ ઉછીના પાછીના કરીને ૪૮ લાખ ભેગા કરીને પાર્થ જાનીને ચૂકવી દિધા હતા વાયદા મુજબ વિઝા નહીં મળતા ઉઘરાણી કરી હતી. ત્યાર બાદ એજન્ટ પાર્થ જાનીએ વોટ્સએપ પર ૧૭ સપ્ટેમ્બરની ટિકિટ પણ મોકલી દિધી હતી.

જો કે, તપાસ કરતા આ ટિકિટ પણ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ પાર્થ જાનીના મિત્ર પ્રકાશભાઇ પટેલે વિરલભાઇને ફોન કરીને પાસપોર્ટ પરત જોઇતો હોય તો ૧૯ લાખની માંગણી કરી હતી. આખરે આ મામલે વિરલભાઇએ સીઆઇડી ક્રાઇમમાં અરજી કરી હતી અને તેના આધારે પોલીસટીમે કન્સલ્ટન્સીની ઓફિસમાં દરોડો પાડતા છ લોકોના પાસપોર્ટ બનાવટી વિઝા સાથે મળી આવ્યા હતા. જેથી આ મામલે પાર્થ જાની રહે. વિહાન નિર્વાણ ફ્લેટ સરગાસણ, પ્રકાશ કનુભાઇ પટેલ રહે. ઉવારસદ અને દિલ્હીના અનસુમન નેગી સહિત ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

Tags :