કઠલાલમાં પ્રેમલગ્ન કરેલી યુવતીનું અપહરણ કરી ચાર શખ્સો ફરાર

પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
યુવકને લાફા મારી નીચે પાડી કૌટુંબિક શખ્સો યુવતીને મરજી વિરૂદ્ધ કારમાં બેસાડી લઈ ગયા
કઠલાલ: કઠલાલમાં પ્રેમ લગ્ન કરેલું દંપતી ખરીદી કરતું હતું. ત્યારે યુવકને લાફા મારી તેની પત્નીની મરજી વિરૂદ્ધ અપહરણ કરી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા. આ મામલે પતિએ પત્નીના અપહરણ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહુધા તાલુકાના પોરડા ગામે વચલા ફળિયામાં રહેતા ઈન્દ્રજીતસિંહ વજેસિંહ સોઢાએ ફળિયામાં રહેતા રાકેશભાઈ બાબુભાઈ પટેલની ભાણી મોહીની સાથે તા. ૨૦-૦૭-૨૦૨૪ સ્વેચ્છાએ પ્રેમ લગ્ન કરી હલદરવાસ ગ્રામ પંચાયત ખાતે નોંધણી કરાવી હતી. ત્યાર બાદ બંને પતિ-પત્ની મહુધા તાલુકાના ખાડીવાવ ખાતે ઈન્દ્રજીતસિંહના માસાના ઘરે રહેતા હતા. છેલ્લા અઠવાડિયાથી બંને પેટલાદ તાલુકાના ભવાનીપુરા ખાતે રૂમ રાખીને રહેવા ગયા હતા. મોહીનીને સારા દિવસો રહેતા બંને કઠલાલ હોસ્પિટલનું કામ પતાવી બપોરે કઠલાલ-મહુધા રોડ ઉપર આવેલા સેલમાં ખરીદી કરવા માટે ગયા હતા. ત્યાં પોરડા ગામના રાકેશભાઈ બાબુભાઈ પટેલ તથા આર્યન રાકેશભાઇ પટેલ સેલમાં અંદર આવેલા મોહીનીને પકડીને પોતાની સાથે લઇ જવા માટે ખેંચવા લાગ્યા હતા. ત્યારે ઈન્દ્રજીતસિંહે મોહીનીને લઈ જવાની ના પાડતાં રાકેશભાઈએ લાફા માર્યા હતા. મોહીનીએ જવાની ના પાડી છતાં આર્યને લાફો મારી નીચે પાડી બંને મોહીનીને તેની મરજી વિરૂધ્ધ બળજબરી પુર્વક પોતાની સાથે પકડીને લઈ કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. ઈન્દ્રજીતસિંહેને પકડી રાખનારા શખ્સો પાર્થભાઈ મહેશભાઇ પટેલ અને દર્શનભાઈ કિરીટભાઈ પટેલ પણ બાદમાં ધક્કો મારી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ઈન્દ્રજીતસિહ વજેસિંહ સોઢાએ પત્નીના અપહરણ મામલે ઉપરોક્ત ચાર શખ્સો વિરૂદ્ધ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

