કુપોષણની સમસ્યા દૂર કરવા ફૂડ ફોર્ટિફિકેશન અસરકારક ઉપાય છે
વડોદરા,તા.8.ફેબ્રુઆરી,2019,ગુરુવાર
ભારતમાં કુપોષણની સમસ્યા બહુ વ્યાપક છે ત્યારે ફૂડ ફોર્ટિફિકેશન આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બહુ મદદરુપ પૂરવાર થઈ શકે છે તેમ ફૂડ ફોર્ટિફિકેશન માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ગેઈલ(ગ્લોબલ એલાયન્સ ફોર ઈમ્પ્રુવ્ડ ન્યુટ્રિશન)ના ભારતના હેડ દિપ્તિ ગુલાટીએ એક વાતચીતમાં કહ્યુ હતુ.
હોમસાયન્સ ફેકલ્ટીમાં ન્યુટ્રિશન પર યુજીસીના ડીએસએ પોગ્રામ હેઠળ યોજાયેલા સેમિનારમાં ભાગ લેવા માટે આવેલા દિપ્તિ ગુલાટીનુ કહેવુ હતુ કે ભારતમાં ૬ થી ૫૯ મહિનાના ૫૮ ટકા બાળકો એનેમિક છે.રિપ્રોડક્ટિવ એજ ગૂ્રપમાં ૫૩ ટકા મહિલાઓ એનેમિયાની સમસ્યાનો સામનો કરે છે અને ચોંકાવનારી વાત એ છે કે પાંચ વર્ષથી નીચેના ૩૫ ટકા જેટલા બાળકો અન્ડરવેઈટ છે.કુપોષણની સમસ્યા મુખ્યત્વે વિટામિન એ, આયોડિન, આર્યન અને ફોલિક એસિડ જેવા પોષક તત્વોના અભાવે થાય છે.જે માત્ર ગરીબ નહી પૈસાપાત્ર વર્ગમાં પણ જોવા મળે છે.જેનુ કારણ એ છે કે આ પોષક તત્વો જેમાંથી મળે છે તે આહાર લેવાનુ ઘણા બધા લોકો ટાળે છે.
તેમણે કહ્યુ હતુ કે આ પોષક તત્વો ખાવા માટે વપરાતા તેલ, દૂધ, લોટ, મીઠા જેવા ખાદ્યપદાર્થોમાં બહારથી ઉમેરવા શક્ય છે.જેને ફૂડ ફોર્ટિફિકેશન કહેવામાં આવે છે.ફૂડ ફોર્ટિફિકેશન પાછળનો ખર્ચ પણ સાવ નજીવો છે.ફૂડ ફોર્ટિફિકેશનથી શરીરમાં વિટામીન એ, ડી, આર્યન, આયોડિનની ૨૫ થી ૩૦ ટકા ઉણપ દુર કરવી શક્ય છે.કેન્દ્ર અને રાજ્ય સરકારોની મદદથી હવે ૧૮ રાજ્યોમાં હવે પેકેટમાં મળતા તેલ, લોટ , દૂધ અને મીઠાનુ ફોર્ટિફિકેશન શક્ય બન્યુ છે.હાલમાં દેશના લગભગ ૩૬ કરોડ લોકો સુધી ફોર્ટિફાઈડ ખાદ્ય તેલ, ૧૧ કરોડ લોકો સુધી ફોર્ટિફાઈડ લોટ અને લગભગ ૫ કરોડ લોકો સુધી ફોર્ટિફાઈડ દુધ પહોંચ્યુ છે અને આગામી પાંચ વર્ષમાં ભારતના તમામ લોકો સુધી ફોર્ટિફાઈડ ખાધ સામગ્રી પહોંચાડવાનો અમારો ટાર્ગેટ છે.