Get The App

નગરના પાંચ હજાર લીંમડા ઉપર ગળોના વેલા ઉછેરાશે

- રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ડેન્ગ્યુ અને સ્વાઇનફ્લૂના લક્ષણો સામે રક્ષણ આપતી ગળોનું સેવન ડાયાબીટીસ માટે પણ ફાયદાકારક

Updated: Sep 27th, 2020

GS TEAM

Google News
Google News
નગરના પાંચ હજાર લીંમડા ઉપર ગળોના વેલા ઉછેરાશે 1 - image


ગાંધીનગર, તા. 27 સપ્ટેમ્બર, 2020, રવિવાર

કોરોનાકાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદનું ચલણ વધ્યું છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવારની સાથે સ્વાઇનફ્લૂથી લઇને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા જીવલેણ રોગના લક્ષણો સામે રક્ષણ આપતી ગળોનો ઉછેર કરવાનું વનવિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેનાભાગરૂપે જ રોડની બન્ને બાજુએ આવેલા ઘટાદાર લીંમડાના વૃક્ષ પર ગળોની વેલનો ઉછેર કરવામાં આવનાર છે. આ વેલની વાવણી કરી દીધી છે હવે આ ગળો લીંમડા ઉપર ચઢે અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરવામાં આવે તો વધુ ગુણકારી બનશે તેમ આયુર્વેદશાસ્ત્ર કહે છે. 

ગળોને ગડુચી, છિન્નરૂહા, ચક્રાંગી, ગિલોય તરીકે ઓળખવામાં આવે છે. ખુબ જ ગુણકારી હોવાના કારણે આયુર્વેદમાં તેનું નામ અમૃતા પણ રાખવામાં આવ્યું છે. તાવની મહાન ઔષધિ તરીકે ગળોને ગણવામાં આવી છે. આસપાસના ઝાડ ઉપર ચઢનારી ગળોની વેલ ભારતમાં સર્વત્ર થાય છે. કડવા લીમડા ઉપર ચઢેલી ગળો સર્વોત્કૃષ્ઠ ગણાય છે. સ્વાદમાં તુરી, કડવી અને તીખી ગરમ છતાં પીતશામક આ ગળો હોય છે. જેના ઉપયોગથી તાવ, તૃષા,દાહ-બળતરા, રક્તદોષ, પાંડુરોગ, કમળો, લિવરના રોગો, હૃદયરોગ, ખાંસી, કૃમી, એસિડિટી, ઉલટી, મંદાગ્નિ, મરડો, સંગ્રહણી જેવા અનેક રોગો મટી શકે છે તેવો આયુર્વેદ દ્વારા દાવો કરવામાં આવે છે. મર્હિષ ચરકે ધાવણની શુદ્ધિકરનારા દસ શ્રેષ્ઠ ઔષધોમાં ગળોનો સમાવેશ કર્યો છે. આ ગિલોય સાર્વત્રિક ઔષધિ છે કે જે રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે તે એન્ટીઓક્સીડન્ટોનો પાવર હાઉસ છે. જે ફ્રી-રેડીકલ સામે લડે છે. કોષોને સ્વચ્છ રાખે છે અને રોગથી મુક્તિ આપે છે. સામાન્ય તાવ ઉપરાંત મેલેરીયા, ડેન્ગ્યુ, સ્વાઇનફુલ જેવા જીવલેણ રોગના લક્ષણો ઘટાડવાની ક્ષમતા પણ ગળોમાં છે. ગિલોય પાંચન સુધારવામાં અને આંતરડાને લગતાં પ્રશ્નોના ઉપચાર માટે પણ ખુબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસ,તણાવ-ચિંતાની પરિસ્થિતિમાં પણ ગળો ફાયદાકારક છે તેવું આયુર્વેદે સાબિત કર્યું છે.

ત્યારે હાલ કોરોનાના કહેર વચ્ચે આયુર્વેદિક ઓષધિ અંગે આમ નાગરિકો વિશેષ જાગૃત બન્યા છે. આયુર્વેદિક દવાઓનું મહત્વ સમજાયું છે. કોરોના અને કેન્સર સહીતની બિમારીમાં ગિલોય એટલે કે, ગળો ઉપયોગી નિવડે છે. જ્યારે આ સ્થિતિ વચ્ચે નગરમાં સ્થિત આયુર્વેદિક દવાઓનું વેચાણ પણ વધ્યું છે. જેને અનુલક્ષી વનતંત્ર દ્વારા ગળોના વેલા ઉછેરવા માટે પણ વિશેષ આયોજન કર્યું છે. નગરના જ માર્ગ પર વનતંત્ર દ્વારા લીમડાના પ્લોટમાં ગળોના રોપાઓનું વિશેષ ઉછેર થાય તે માટે આયોજન કરાયું છે. આ માટે વનતંત્ર દ્વારા આપ્લોટમાં સ્થિત લીમડાના પાંચ હજાર જેટલા રોપાઓ પર ગળોના વેલા ઉછેરવા માટે કામગીરી હાથ ધરાઇ છે.  હાલ જ રોડ ઉપર આવેલાં લીમડાની પાસે ગળોના વેલા ઉછેરવામાં આવી રહ્યાં છે.

Tags :