માંજલપુર તુલસીધામ પાસે અલંગ હાઉસમાં ભીષણ આગ,ફર્નિચર અને બાજુના ગેરેજના 7 ફોરવ્હિલરો ખાક
વડોદરા,તા.29 જાન્યુઆરી,મંગળવાર
માંજલપુર વિસ્તારમાં આજે નમતી બપોરે ફર્નિચર હાઉસમાં લાગેલી ભીષણ આગને કારણે તમામ ફર્નિચર તેમજ બાજુનું ગેરેજ પણ લપેટાતાં તેના વાહનોને નુકસાન થયું હતું.
તુલસીધામ ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જતા માર્ગ પર મહાલક્ષ્મી પાર્ટી પ્લોટ પાસે મેઇન રોડ પર આવેલા શ્રી અલંગ ફર્નિચર હાઉસમાં આગ લાગતાં નાસભાગ મચી હતી.
ઉપરોક્ત સ્થળે પલંગ,ખુરશીઓ,ટેબલો, કબાટ, સોફા અને પ્લાયવુડની સીટો મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ ઝડપભેર પ્રસરી હતી.થોડી જ વારમાં પતરાંનો શેડ પણ ધરાશાયી થઇ ગયો હતો.
આગ એટલી પ્રચંડ હતી કે બાજુનું ગેરેજ પણ તેમાં લપેટાઇ ગયું હતું.ગેરેજમાં આવેલા ૭ ફોરવ્હિલરો અને એક ટુવ્હિલર આગમાં લપેટાઇ ગયા હતા.જ્યારે,ગેરેજનો શેડ અને થાંભલીઓ પણ ધરાશાયી થયા હતા.
ફાયર બ્રિગેડને જાણ કરાતાં દાંડિયાબજાર, મકરપુરા અને વડીવાડી ફાયર સ્ટેશનના ઓફિસરો ૧૦ ફાયર ફાઇટર અને લાશ્કરોના કાફલા સાથે આવી ગયા હતા અને બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.