માંજલપુર સરસ્વતી ચોકડી પાસે આવેલી જમીન વેચી દીધા પછી વધુ રૃપિયા પડાવવા બોગસ દસ્તાવેજ બનાવ્યા
વેચી દીધેલી જમીન ફરી વેચવા માટે પાવર ઓફ એર્ટની બે ભેજાબાજોએ લીધી : સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી ધમકી
વડોદરા,તા,20,જાન્યુઆરી,2020,સોમવાર
માંજલપુર સરસ્વતી ચોકડી પાસે આવેલી જમીન વેચી દીધા પછી પણ વધારે રૃપિયા પડાવવા માટે ખેડૂતોએ બે વ્યક્તિઓને જમીનનો વહીવટ કરવા માટે પાવર ઓફ એટર્ની આપી હતી. તેમજ જમીન ખરીદનારના સિક્યુરિટી ગાર્ડને ધમકી આપી માર માર્યો હતો. જે અંગે માંજલપુર પોલીસે જમીન વેચનાર ખેડૂતો અને ખેડૂત પાસેથી પાવર ઓફ એટર્ની લખાવી લેનાર વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે માંજલપુરમાં સરસ્વતી ચોકડી પાસે આવેલી સર્વે નંબર-૭૦ વાળી જમીન મૂળ માલિક બાબરભાઈ સોલંકી તથા તેમના બે પુત્રો નગીન અને નટવરે તા.૧૫-૧૧-૨૦૦૩ના રોજ પ્રવિણ મણીભાઈ પટેલ (રહે. સરદાર નગર સોસાયટી નિઝામપુરા)ને વેચી હતી. પ્રવિણ પટેલે આ મિલકત રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની ખરીદી હતી.
ત્યારબાદ તા.૨૦-૯-૨૦૦૭ના રોજ પ્રવિણ પટેલે આ જમીન ભાઈલાલ પટેલ કમલેશ પટેલ તથા હિતેશ પટેલને વેચી હતી. નટવર સોલંકી અને નગીન સોલંકીને જાણ હતી કે આ મિલકત પિતા સાથે રહીને અવેજની રકમ સ્વીકારીને વેચી છે. તેમ છતાંય પ્રવિણ પટેલ ભાઈલાલ પટેલ પાસેથી વધુ રૃપિયા પડાવી લેવા માટે પોતાની બહેનોનો કોઈ માલિકી હક્ક નહી હોવા છતાંય તેમના નામો દાખલ કરવા ખોટા દસ્તાવેજો બનાવી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ જમીન ખરીદનાર પ્રવિણ પટેલ તથા ભાઈલાલ પટેલ દ્વારા નગીન સોલંકી, નટવર સોલંકી અને તેમની બહેનોનો સંપર્ક કરી ફરીથી રૃપિયા ચૂકવ્યા હતા. જેથી બહેનો તથા બંને ભાઈઓએ પોતાનો કોઈ હક્ક નહી હોવાનો સોગંદનામાનો લેખ ફેબુ્રઆરી ૨૦૧૦માં કરી આપ્યો હતો.
નગીન સોલંકીએ આ જમીન પોતે વેચી દીધી હોવાનું જાણવા છતાંય જમીનનો વહીવટ કરવા વેચાણ દસ્તાવેજ કરવા અને ડેવલપ માટે મનિષ હરિહરબાઈ પંડયા (રહે.વાડી, ભાટવાડા) અને વર્નેશ અતુલભાઈ પટેલ (રહે.અક્ષયવિલા ડુપ્લેક્ષ, માંજલપુર)ને પાવર ઓફ એટર્ની આપી હતી.
ખેડૂતો દ્વારા જમીન લેનાર ભાઈલાલ પટેલના સિક્યુરીટી ગાર્ડ તથા સંજય પટેલને દમકીઓ આપી હુમલો કરી ખોટા કેસ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
ઉપરોક્ત વિગતો દર્શાવતી ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ૧. નટવર બાબરભાઈ સોલંકી ૨. નગીન બાબરભાઈ સોલંકી ૩. દિપક નગીનભાઈ સોલંકી ૪. અશોક નટવરભાઈ સોલંકી ૫. કિરણ નટવરભાઈ સોલંકી (તમામ રહે.માંજલપુર) (૬) વર્ણેશ પટેલ અને (૭) મનિષ પંડયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.