સેવાસીમાં ગંદકી કરતા દેવાશય રેગાલીયા ટાવરના ત્રણ પ્રમુખો સામે ફરિયાદ
ટાવરનું નિર્માણ કરનાર બે ડેવલોપરો સામે પણ ગુનો ઃ નાયબ કલેક્ટરે હુકમ કર્યો છતા ગંદકી દૂર કરાતી ન હતી
વડોદરા, તા.28 જાન્યુઆરી, મંગવાર
સેવાલી ટીપી-૧ વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરનારાને ગંદકી દૂર કરવા માટે નાયબ કલેક્ટરે હુકમ કર્યો હોવા છતાં ગંદકી દૂર નહી કરતા આખરે નાયબ કલેક્ટરે દેવાશય રેગાલીયાના ડેવલોપર્સ તેમજ ત્રણ ટાવરના પ્રમુખો સામે ગુનો દાખલ કરવાનો હુકમ કરતા તાલુકા પોલીસે પાંચ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે ઇસ્કોન-વાસણા રોડ પરની મારૃતિધામ સોસાયટીમાં રહેતા નિલેશ શશીકાંત જોષીએ વડોદરા ગ્રામ્યના એસડીએમની કોર્ટમાં ફરિયાદ કરી હતી કે સેવાસી ટીપી-૧ વિસ્તારમાં આવેલ દેવાશય રેગાલીયા ટાવર દ્વારા ગંદુ પાણી રોડ પર જાહેરમાં છોડી ગંદકી કરવામાં આવે છે જેથી નાયબ કલેક્ટર દ્વારા તા.૨૫ જૂન ૨૦૧૯ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો કે ૧૫ દિવસમાં રસ્તા ઉપર ગંદકી દૂર કરી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું.
જો કે દેવાશય રેગાલીયા ટાવર દ્વારા જાહેર રોડ પર છોડાતી ગંદકી દૂર કરવામાં આવી ન હતી જેથી નિલેશ જોષીએ ફરી નાયબ કલેક્ટરની કોર્ટમાં દાદ માંગકા નાયબ કલેક્ટર દ્વારા ગંદકી માટે જવાબદાર દેવાશય રેગાલીયા ટાવરના ત્રણ પ્રમુખો નિકુંજ વ્યાસ, પ્રફુલ જોષી અને બૈજુભાઇ તેમજ દામોદરકોન ડેવલોપરના ભાગીદારો હિતેશ ભીખાભાઇ શાહ અને વિરેન્દ્ર પ્રદ્યુમનસિંહ વાસીયા સામે ગુનો નોધવાનો હુકમ કર્યો હતો. નાયબ કલેક્ટરના હુકમના પગલે પોલીસ જાતે ફરિયાદી બની પાંચેય સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.