વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી: કેદીઓ સામે પણ આખરે પોલીસ ફરિયાદ
વડોદરા, તા.6 ઓકટોબર 2020, મંગળવાર
વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં કેદીઓ પથ્થરના નાના કાકરા બનાવવાની રમત રમી રહ્યા હતા. આ દરમિયાન રમતમાં હારેલા કેદીએ વેર રાખી અન્ય કેદીને મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ રાવપુરા પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે બંને કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, સંજય પરમાર ( રહેવાસી -ભગવતી પુરા રોડ,રાજકોટ ) હાલ વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં પ્રોહિબિશનના ગુનામાં સજા ભોગવી રહ્યો છે. ગઈકાલે તે અન્ય કેદી વિકાસ ઓગણિયાની સાથે પથ્થરના નાના કાકરા બનાવી રમત રમી રહ્યો હતો ત્યારે આ રમતમાં વિકાસ હારી જતા અપશબ્દો બોલ્યા હતા તે સમયે વિકાસનો ભાઈ રાજ કાળીદાસ પણ આવી જતા તેઓએ સંજય પરમારને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઝઘડામાં સંજય પરમારને છાતીના ભાગે તથા માથાના ભાગે ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે રાવપુરા પોલીસે મારામારી અને ધાક ધમકી સહિતની કલમો હેઠળ બન્ને ભાઈઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.