લમ્પી સામેની લડત : જિલ્લામાં સર્વેલન્સ માટે 45 ટીમ ઉતારાઇ
જિલ્લામાં ૧.૮૪ લાખ ગાય અને ૩.૨૨ લાખ ભેંસ છે
પશુઓને બચાવવા માટે પશુ દવાખાના સહિત ૧૨૫ કેન્દ્રને એલર્ટ ઃ ગાંધીનગરમાં ૨૪ કલાકનો કંટ્રોલરૃમ
રાજ્યના ૧૫થી વધુ જિલ્લામાં લમ્પી વાઇરસથી હજ્જારો પશુઓ
રોગગ્રસ્ત બન્યા છે. ત્યારે રાજ્ય સરકારની સુચનાના પગલે જિલ્લા તંત્ર દોડતું થઇ
ગયું છે. પશુપાલન અધિકારી એસ. આઇ. પટેલે જણાવ્યું કે જિલ્લામાં પશુધનની છેલ્લી
ગણતરી પ્રમાણે ગાયની સંખ્યા ૧,૮૪,૭૩૬ અને ભેંસની
સંખ્યા ૩,૨૨,૫૭૪ મળીને કુલ
પશુધન ૫,૦૭,૩૧૦ છે. ત્યારે
રોગચાળા સામે તેમનું રક્ષણ થાય તેના માટે પશુપાલકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
રસીકરણનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
જિલ્લામાં રોગચાળા સંબંધમાં સઘન સર્વેલન્સ માટે ૭ મદદનીશ
પશુપાલન નિયામક, ૧૪ પશુ
ચિકિત્સક અને ૮૩ પશુધન નિરીક્ષકને કામે લગાડાયા છે. ૪૫ તાંત્રિક અધિકારી, કર્મચારીની ટીમ
બનાવાઇ છે. ગાંધીનગર તાલુકામાં ૧૦,
દહેગામ અને માણસા તાલુકામાં ૯-૯ અને કલોલ તાલુકામાં ૭ ટીમ કાર્યરત કરાઇ છે.
સોલૈયા અને દેલવાડાના ચાર પશુ ત્વરિત સારવારથી સ્વસ્થ
અધિકારી સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે માણસા તાલુકાના
સૌલૈયા અને દેલવાડા ગામમાં ચાર પશુમાં લમ્પી વાઇરસના સાવ સામાન્ય લક્ષણ જોવામાં
આવ્યા હતાં. પરંતુ પશુપાલકોની જાગૃતિના કારણે તેને તુરંત અલગ કરી દઇને કરાયેલી
ત્વરિત સારવારના કારણે આ પશુઓ રોગમુક્ત અને સ્વસ્થ થયાં છે
કોઇ પશુમાં બિમારી જોવા મળે તો તુરંત જાણ કરવાનો આદેશ
સમગ્ર જિલ્લામાં પશુપાલન અધિકારીઓ તથા દુધ સંઘના તાંત્રિક અધિકારીઓ બેઠકો યોજીને ફેરણા દરમિયાન કોઇ પશુમાં આ બિમારીના લક્ષણ જોવામાં આવે તો સારવાર શરૃ કરવાની સાથે જ બનતી ઝડપે જિલ્લા તંત્રને આ સંબંધે જાણ કરવાનો આદેશ કરવામાં આવ્યાનું જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું છે.