FOLLOW US

વડોદરા નજીક ભીમપુરામાં દીપડાનો પડાવ,નીલ ગાયનું મારણ કર્યું,ખેતમજૂરો જતા ડરે છે

Updated: Mar 18th, 2023

વડોદરાઃ  વડોદરા નજીક ભીમપુરા વિસ્તારમાં પણ દીપડાએ પડાવ નાંખ્યો છે.આ વિસ્તારમાં દીપડાના  ભયને કારણે ખેતમજૂરો પણ ખેતરોમાં આવતા ડરી રહ્યા છે.જેથી ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા પાંજરું મુકવાની તજવીજ કરી છે.

વડોદરાની આસપાસના વિસ્તારોમાં દીપડા વારંવાર દેખાઇ રહ્યા હોવાથી લોકોમાં દહેશતનો માહોલ છે.આવા સમયે વડોદરાને અડીને આવેલા શેરખી-ભીમપુરા ખાતે પણ દીપડાએ પડાવ નાંખ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

મળતી માહિતી મુજબ,છેલ્લા છ મહિનાથી આ વિસ્તારમાં દીપડો દેખાઇ રહ્યો છે.જો કે દીપડાએ કોઇ માનવ પર હુમલો કર્યો હોય તેવો  બનાવ બન્યો નથી.આમ છતાં દીપડાના નામથી લોકોમાં દહેશતનો માહોલ વ્યાપી રહ્યો છે.

શેરખી-ભીમપુરા વિસ્તારમાં દીપડો દેખાતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે.જ્યારે,દીપડાએ એક નીલ ગાયનું મારણ કર્યું હોવાની પણ ચર્ચા થઇ રહી છે.નોંધનીય છે કે,પાદરાના સાધી ગોરીયાદ વિસ્તારનો પણ દીપડાનો એક વીડિયો ચર્ચામાં રહ્યો હતો.

દીપડાથી ડરવાની નહિં સાવચેત રહેવાની જરૃર

વડોદરાના આરએફઓ કરણસિંહ રાજપૂતે કહ્યું હતું કે,સામાન્ય રીતે દીપડો માનવી પર  હુમલો કરતો નથી.દીપડો રહેણાંક વિસ્તારમાં આવતો હોય તો તેને  પકડવા માટે અમે તૈયાર છીએ.પરંતુ જો તેના ખોરાક પાણીની જગ્યાએ તે આવતો હોય તો તેનાથી ડરવાની પણ સાવચેત રહેવાની જરૃર છે.પશુ પાલકોએ ઢોરોને બાંધીને રાખવા જોઇએ અને લાઇટો ચાલુ રાખવી જોઇએ.

ગામના યુવકોએ કેમેરો મુકાવી દીપડાનો પુરાવો આપ્યો

શેરખી ભીમપુરા વિસ્તારમાં દીપડો આવતો હોવાને કારણે ગ્રામજનો દ્વારા તલાટી, સરપંચ તેમજ અન્ય અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ તેમની પાસે પુરાવો માંગવામાં આવ્યો હતો.ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે,અમે પોતાના ખર્ચે કેમેરો મુકાવી દીપડાનો પુરાવો આપ્યો છે.હવે તંત્રએ અમારો ડર દૂર કરવો જોઇએ.

Gujarat
News
News
News
Magazines