સરાર ગામે વારંવાર ઝઘડો કરતા પુત્રની લાકડી મારી પિતાએ હત્યા કરી
ખીલાવાળી લાકડી માથામાં વાગતાં જ પુત્રને ચક્કર આવતા ખાટલામાં જ ઢળી પડયો ઃ પિતાની ધરપકડ
Updated: Nov 24th, 2022
વડોદરા, તા.24 વડોદરા નજીક સરાર ગામે પત્ની અને પુત્રીને તેના પિયરમાંથી કેમ તેડી લાવતા નથી તે મુદ્દે પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાટમાં આવી જઇને પિતાએ લોખંડની ખીલીવાળી લાકડીના ઘા માથામાં મારી પુત્રની હત્યા કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા તાલુકાના સરાર ગામે સ્વામિનારાયણ ફળિયામાં રહેતા બ્રિજેશ જયંતીભાઇ જોષી (ઉ.વ.૪૩)ના લગ્ન પાંચ વર્ષ પહેલાં ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે રહેતી આશા સાથે થયા હતાં. લગ્ન બાદ આશાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. બ્રિજેશ અને પત્ની આશાનો વારંવાર ઝઘડો થતો હોવાથી આશા પુત્રીને લઇને ત્રણ વર્ષ પહેલાં પિયર જતી રહી હતી. આ મુદ્દે બ્રિજેશ તેના પિતા સાથે બોલાચાલી કરી વારંવાર કહેતો હતો કે તમે મારી પત્ની તેમજ પુત્રીને કેમ તેડી લાવતા નથી.
ગઇકાલે રાત્રે બ્રિજેશનો મોટોભાઇ નોકરી પરથી ઘેર આવ્યો ત્યારે બ્રિજેશ લોહિંલુહાણ હાલતમાં ખાટલા પર પડયો હતો અને નજીકમાં પિતા જયંતિભાઇ ઊભા હતાં. આ અંગે વિજયે પિતાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તારા નાના ભાઇએ સાંજે ઘેર આવીને મારી સાથે ઝઘડો કરી તમે પત્ની અને પુત્રીને કેમ તેડી લાવતા નથી તેમ કહી અપશબ્દો બોલવાનું શરૃ કર્યુ હતું. મે તેને ગાળો બોલવાની ના કહેતા તેણે મને છુટ્ટો ફોન મારતા હું નીચે પડી ગયો હતો અને ફોન પણ તૂટી ગયો હતો. ત્યારપછી મને ગુસ્સો આવતા લાકડી લઇને તેના માથામાં ત્રણ ઘા માર્યા હતાં. લાકડીમાં ખીલી હોવાથી માથામાંથી માંસ બહાર આવી ગયું હતું અને ચક્કર આવતા બ્રિજેશ ખાટલા પર પડી ગયો હતો.
પિતા અને પુત્ર બાદમાં તુરંત જ બ્રિજેશને પોર સરકારી દવાખાને લઇ ગયા હતા જ્યાં બ્રિજેશનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે વરણામા પોલીસે પુત્રની હત્યા અંગે ગુનો દાખલ કરી પિતાની ધરપકડ કરી હતી.