વિદ્યાર્થીઓએ ફેશન પર બનાવેલી ૬ ટૂંકી ફિલ્મોનું સ્ક્રીનિંગ યોજાયું
એમ.એસ.યુનિ.ના ફેશન કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓની મહેનત
ઈવેન્ટ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મક્તા, આત્મ-અભિવ્યક્તિ અને મૌલિકતાને બહાર લાવવાનો પ્રયત્ન
વડોદરા, તા.5 ફેબ્રુઆરી 2020, બુધવાર
એમ.એસ.યુનિ.ના ઈન્સ્ટિટયૂટ ઓફ ફેશન એન્ડ ટેકનોલોજી તેમજ ફેમિલિ એન્ડ કોમ્યુનિટિ સાયન્સ ફેકલ્ટીના સંયુક્ત ઉપક્રમે ફેશન કોમ્યુનિકેશનના બીજા વર્ષના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ એક મહિનામાં ૬ ટૂંકી ફિલ્મો બનાવી હતી. જેનું સ્ક્રીનિંગ ઈન્સ્ટિટયૂટના એમ્ફીથીયેટર ખાતે રાખવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ ફેશન, ફ્રેન્ડશીપ અને વસુદેવ કુટુંબકમ આ ત્રણ થીમ પર ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની સર્જનાત્મક્તા, આત્મ અભિવ્યક્તિ તેમજ મૌલિકતા બહાર લાવવાનો હતો. પ્રથમ ફિલ્મ સ્વ-મૂલ્યોની તો બીજી ફિલ્મ મિત્રતા ઉપર દર્શાવામાં આવી છે. જેમાં ભેદભાવ વગર બંને મિત્રો એકબીજા સાથે રહે છે અને વસુધૈવ કુટુંબકમ પર ભાર મૂકે છે. ત્રીજી ફિલ્મમાં સામાજિક સ્વીકૃતિ અને ચોથી ફિલ્મ પુરુષપ્રધાન સમાજને તોડીને પસંદ છે તેની સ્વતંત્રતા પર આધારિત છે. પાંચમી ફિલ્મ 'મારી જાતનું અસંખ્ય' માં પોતાને પ્રેમ કરો તે સંદેશાને આવરી લેવામાં આવ્યો છે. જ્યાં છોકરી સમાજને શું પસંદ છે, સમાજ શું ટીકા કરશે, અન્ય મારા વિશે શું વિચારશે? તેની ચિંતા કર્યા વગર તેના સ્વપ્ન પૂરા કરવા અને તેની ઈચ્છાઓ શોધવા માટે પ્રવાસ ખેડવા તૈયાર થયેલી દર્શાવવામાં આવી છે. છેલ્લી ફિલ્મ બે વ્યક્તિઓની ફેશનની વ્યાખ્યા ઉપર પ્રસ્તુત કરાઈ હતી. ફેશન હંમેશા છટાદારા કે અંગ પ્રદર્શન કરવું તે જ હોતી નથી, ફેશન એક વિચિત્ર મિશ્રણ છે જે વ્યક્તિનો આત્મવિશ્વાસ રજૂ કરે છે.