ખેતરના બોર કુવા પર સરકારે મીટર લગાવવાનું શરૃ કરાતા ખેડૂતોનો વિરોધ

Updated: Jan 23rd, 2023


ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં

આગામી સમયમાં મીટરના રીડીંગના આધારે ખેડૂતો પાસેથી રૃપિયા વસૂલવામાં આવશે તેવી દહેશત-આંદોલનના એંધાણ

ગાંધીનગર :  એક બાજુ ખેડૂતોને ખેતરમાં પાણી માટે વીજળી મળતી નથી ત્યારે સરકારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ખેડૂતોના બોર કુવા પર પાણીના મીટર નાંખવાની શરૃઆત કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.  આગામી સમયમાં સરકાર જમીનમાંથી નિકળતા પાણીમાંથી પણ કર વસૂલે તેવી દહેશત ખેડૂતોમાં મળી રહી છે જેને લઇને આગામી સમયમાં ખેડૂત હિતરક્ષક મંડળ આંદોલન કરે તેવા એંધાણ પણ વર્તાઇ રહ્યા છે.

ગુજરાતમાં હાલ મોટાભાગની ખેતી પિયત આધારીત છે ખેડૂતોને ખેતરમાં પાણી માટે બોર ઉભો કરવા પણ સરકાર વીજ કનેક્શન આપવામાં ઠાગાઠૈયા કરી રહી છે. આજ સુધીમાં અગાઉની સરકારોએ બનાવી આપેલા બોર કુવા ઉપર પણ હાલની સરકાર કર નાંખવાની વેતરણમાં હોય તેવી દહેશત ખેડૂતોમાં જોવા મળી રહી છે. જિલ્લાના માણસા તાલુકામાં ખેડૂતાના બોર કૂવા ઉપર પાણીના મીટરો નાંખવામાં આવતા ગુજરાત ખેડૂત હિતરક્ષક મંડળ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે.

એક બાજુ સરકાર ખેડૂતોને આર્થિક ભીંશમાં લઇ રહી છે ત્યારે વીજળી મોંઘી કરીને પાણી ઉપર પણ કર નાંખવાની આ નીતિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મંડળે જણાવ્યું હતું કે જિલ્લામાં આ પ્રકારે અન્ય સ્થળોએ પણ મીટર નાંખવાની વેતરણ ચાલી રહી છે જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવે અને આગામી સમયમાં આ મુદ્દે ગાંધીનગર સુધી લડી લેવાનો પણ નિરધાર કરવામાં આવ્યો છે. મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અગાઉ જમીનના રી સરવેમાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે ત્યારે સરકાર અન્ય રીતે પણ ખેડૂતોને પાયમાલ બનાવી રહી છે જે યોગ્ય નથી.

    Sports

    RECENT NEWS