માતરના અડધો ડઝનથી વધુ ગામોના ખેડૂતો તંત્રના વાંકે સિંચાઈના પાણીથી વંચિત
- ત્રાજ મહિ સિંચાઈ જમણા વિભાગની નહેરમાં પાણી અપાતું નથી
- નહેરમાં કેટલાક લોકો દ્વારા કાપડની મોદ નાખીને પાણી રોકી લેવાય છે : અધિકારીઓમાં આંતરિક ખટરાગથી ખેડૂતોના પાણી માટે વલખાં
નડિયાદ, તા.23 જુલાઈ 2020, ગુરુવાર
માતર તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવાનો વખત આવ્યો છે. ખેતીની સિઝનમાં સિંચાઈ અધિકારીઓની બેજવાબદારીભરી નીતિથી ખેડૂતો પાણી વગર બેહાલ બન્યાં છે.
ખેડા જીલ્લામાં વરસાદના ધમાકેદાર આગમન પછી સીઝનનો વરસાદ ખેંચાવાના કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. માતર તાલુકામાં ત્રાજ મહિ સિંચાઈ જમણા વિભાગની નહેરમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હતું. પરંતુ છેલ્લા ઘણા વખતથી બરોડા, પાલ્લા, નધાનપુર અને અસામલીના પાંચસોથી વધુ ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી. કેટલાક લોકો દ્વારા નહેરમાં કાપડની મોદ નાખીને પાણી અટકાવી દેવામાં આવે છે. જેને ખેડૂતો દ્વારા હટાવાતા રાત્રિના સમયે ફરીથી મોદ નાખીને પાણીમાં અવરોધ ઉભો કરવામાં આવે છે.
આ ઉપરાંત ખેડૂતોએ જણાવ્યું હતું કે સિંચાઈના અધિકારીઓના અંદરો અંદરના ખટરાગના કારણે નહેરમાં પાકા સિમેન્ટની દિવાલ ચણી લેવામાં આવી છે. આ અંગે સિંચાઈ વિભાગમાં જાણ કરાતા થોડા સમય માટે સ્થિતિ સુધરે છે પણ પછી જૈસે થે જેવી હાલત થાય છે. આ અંગે સિંચાઈ વિભાગ યોગ્ય પગલાં લઈ કાયમ માટે સમસ્યાનો હલ કાઢે તેમ ખેડૂતો જણાવી રહ્યાં હતાં. આ અંગે મહિસિંચાઇના એસ.ઓ એમ.એસ.પટેલનો સંપર્ક સાધતા તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.