For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા : વીજ કંપની રૂ.10,000માં દોઢ ટન એસી વેચશે તેવો બોગસ મેસેજ વાયરલ

Updated: Jun 25th, 2019

Article Content Imageવડોદરા, તા.25 જૂન  2019,મંગળવાર

વીજ કંપની દ્વારા માત્ર 10000 રુપિયામાં દોઢ ટનના એસીનુ વેચાણ શરુ કરવામાં આવશે તેવા મેસેજ સોશ્યલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ થવા માંડયા હતા.જેના પગલે હવે ગુજરાત ઉર્જા વિકાસ નિગમને આ બોગસ મેસેજને લઈને સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે.

મળતી વિગતો પ્રમાણે એસીના ફોટા સાથે વાયરલ થયેલા મેસેજમાં કહેવામાં આવ્યુ હતુ કે, 17 જુલાઈ, 2019નુ બિલ બતાવીને ગ્રાહકો એસી લઈ શકશે. જોકે આ મેસેજ વાયરલ થયા બાદ મધ્ય ગુજરાત વીજ કંપનીના સબ સ્ટેશનો પર અને હેડ ઓફિસ પર પણ લોકોએ ફોન કરીને પૂછપરછ કરવા માંડી હતી.જેના પગલે વીજ કંપનીના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.

આખરે વીજ કંપનીએ હવે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે, મધ્ય ગુજરાત વીજ કંપની સહિતની કોઈ પણ સરકારી વીજ કંપનીમાં આ પ્રકારની યોજના અમલમાં નથી અને આવી કોઈ યોજના પર વિચારણા પણ થઈ રહી નથી.વીજ કંપનીને વાયરલ થયેલા મેસેજ અંગે કોઈ લેવા દેવા નથી.આથી ભવિષ્યમાં પણ આવા કોઈ મેસેજ ફરતા થાય તો ગેરમાર્ગે નહી દોરાવુ.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ જીઈબી દ્વારા બલ્બ વેચવામાં આવશે તેવા બોગસ મેસેજ વાયરલ થયા હતા.જોકે વારંવાર જીઈબીના નામે મેસેજ ફરતા થતા હોવા છતા વીજ કંપનીના સત્તાધીશો આઈટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવાની જગ્યાએ માત્ર સ્પષ્ટતા કરીને સંતોષ માની રહ્યા છે.


Gujarat