ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં આજથી બે દિવસના ફાઈન આર્ટસ ફેરનો પ્રારંભ
વડોદરા,તા.10.જાન્યુઆરી,શુક્રવાર,2019
એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમા આવતીકાલ, શનિવારથી ફાઈન આર્ટસ ફેરનો પ્રારંભ થશે.શનિવાર અને રવિવાર એમ બે દિવસ યોજાનારા ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓની કલાકૃતિઓ પ્રદર્શન માટે મુકવામાં આવી છે.
ફેકલ્ટીના વિદ્યાર્થીઓની પ્રતિભાને આમ જનતા પણ ઓળખી શકે અને તેમની કલાકૃતિઓને નિહાળી શકે તે માટે ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં ફેરની શરુઆત ૧૯૬૧માં તત્કાલિન ડીન પ્રો.શંખો ચૌધરી અને પ્રો.કે જી સુબ્રમણ્મે શરુ કરાવી હતી.
એ પછી દર બે વર્ષે આ ફેર યોજાતુ હતુ અને છેલ્લે ૨૦૧૧માં આ ફેર યોજાયુ હતુ.આઠ વર્ષના લાંબા ગાળા બાદ હવે ફાઈન આર્ટસ ફેર યોજાવા જઈ રહ્યુ હોવાથી વિદ્યાર્થીઓમાં તેમજ કલાપ્રેમીઓમાં આતુરતા અને ઉત્સુકતા જોવા મળી રહી છે.ફેરમાં કલાકૃતિઓની સાથે ફેકલ્ટીના ગેટ પર ઈનોવેટિવ ડેકોરેશન, વિદ્યાર્થીઓએ બનાવેલી જ્વેલરી, કેલેન્ડર્સ તેમજ લાઈવ પપેટ શો પણ જોવા મળશે.
ફાઈન આર્ટસ ફેર આમ જનતા માટે સાંજે ચાર વાગ્યાથી લઈને રાતે દસ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.