અમદાવાદના ફ્લાવર શોની મુદત 31મી સુધી લંબાવાઈ
- રૂપિયા 10ની ટિકિટના દર 50 કરાયા
- આશ્રમરોડ અને રિવરફ્રન્ટ પર ઊભી થયેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું
અમદાવાદ, તા.21 જાન્યુઆરી 2019, સોમવાર
અમદાવાદના રિવરફ્રન્ટ પર અત્યારે એક બાજુ ફ્લાવર શો શરૂ થયો છે તો બીજી બાજુ વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત શોપિંગ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે ગઈકાલે રવિવારે આ બંને સ્થળો પર મોટી જનમેદની ઉમટી પડી હતી જેને કારણે ભારે અફડાતફડીના દ્રશ્યો સર્જાયા હતા.
આશ્રમ રોડ ઉપર આવેલ રિવરફ્રન્ટ પર ઠેર ઠેર ટ્રાફિક જામ થઇ ગયો હતો લોકો ભારે મુસીબતમાં મુકાઈ ગયા હતા લોકોનો અભૂતપૂર્વ ધસારો જોઈને કોર્પોરેશને ફ્લાવર શો ની મુદતમાં વધારો કર્યો છે અગાઉ આ ફ્લાવર શો ૨૨ મી જાન્યુઆરીએ પૂર્ણ થવાનો હતો પરંતુ હવે તેની મુદત વધારીને ૩૧ મી જાન્યુઆરી સુધીની કરાઈ છે.
બીજીબાજુ તારીખ 26 અને 27 ના રોજ રજાના દિવસે ફ્લાવર શોમાં જવા માટે વ્યક્તિદીઠ રૂ. 50 ની ફી ચૂકવવી પડશે આ અગાઉ માત્ર રૂપિયા 10 હતી પરંતુ જબરજસ્ત ધ્યાનમાં રાખીને એન્ટ્રી ફી માં રૂપિયા 40 નો વધારો કરાયો છે ઉપરાંત ફ્લાવર શોની ટિકિટ લેવા માટે અગાઉ છ કાઉન્ટર હતા તેમાં બેનો વધારો કરાતા હવે કુલ 8 કાઉન્ટર ઉપરથી નાગરિકો ટિકિટ ખરીદી શકશે.
ગઈકાલે ટ્રાફિકની સમસ્યા અને લોકોની ભીડને કારણે જે મુશ્કેલી અને હાડમારી ઊભી થઈ હતી તેવી જ સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે કમિશનરે ટ્રાફિક પોલીસની બેઠક બોલાવી હતી જેમાં ટ્રાફિક ને કાબુમાં રાખવા માટેની તમામ વ્યવસ્થા કરવા માટેના આદેશો અપાયા છે