સયાજીમાં દર મહિને ૧૫૦ દર્દીઓ વ્યસન મુક્તિ માટે આવે છે
એસએસજી હોસ્પિટલમાં નશા મુક્તિ કેન્દ્રનો પ્રારંભ
ખાનગી દવાખાનામાં એક વખતની ૩૦ હજારની સારવાર અહીં સાવ વિનામૂલ્યે
વડોદરા,કેન્દ્ર સરકાર દ્વારા શરૃ કરવામાં આવેલા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત સયાજી હોસ્પિટલમાં એડિક્શન ટ્રિટમેન્ટ ફેસિલિટી (એટીએફ)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વડોદરા ઉપરાંત જામનગર અને મહેસાણામાં પણ એટીએફની સુવિધા શરૃ કરવામાં આવી છે.
સયાજી હોસ્પિટલમાં વોર્ડ નંબર ૧૪, માનસિક રોગોના વિભાગ પાછળ શરૃ કરવામાં આવેલા એટીએફનું દિલ્લીથી કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમાં સારવાર લેવામાં આવનારા દર્દીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
માદક પદાર્થોના સેવનથી વ્યક્તિની પારિવારિક, શારીરિક અને આથક હાલત કથળી જાય છે. ઘણા લોકો નશો છોડવા માટે તૈયાર હોય છે, પણ તેઓને યોગ્ય માર્ગદર્શન કે સારવાર મળતી નથી.
એસએસજી હોસ્પિટલમાં પ્રતિમાસ સરેરાશ ૧૫૦ વ્યક્તિ નશા મુક્તિની સારવાર માટે આવે છે. તેમાંથી અડધા સેલ્ફ મોટિવેટેડ અને બાકીના લોકોને પરિવારજનો કે લોકો સારવાર માટે લઇને આવે છે. શરાબ, અફીણ, ગાંજો, ચરસ કે અફીણનું સેવન કરતી વ્યક્તિ માટે અલગઅલગ સારવાર પદ્ધતિઓ હોય છે. આવી વ્યક્તિ વ્યસન છોડે એટલે તેને ખેંચ કે અન્ય દર્દ થવાની શક્યતા રહે છે. આથી તેને તબીબોની દેખરેખમાં રાખવામાં આવે છે. બજારમાં મોંઘા ભાવે મળતી દવાઓ એસએસજીમાં સાવ સસ્તા દરે આપવામાં આવે છે. તેમજ મનોચિકિત્સકો દ્વારા દર્દીને સમજણ આપવામાં આવે છે. અહીંયા બજારમાં વેંચી ના શકાય એવી દવાઓ દર્દીઓને આપવામાં આવે છે.
એક દર્દીને ત્રણ વખત કાઉન્સેલિંગની જરૃર રહે છે
વડોદરા,સારવાર માટે આવતા દર્દીઓને રિપલ્સ પ્રિવેન્શનના સેશન પણ ખૂબ જ જરૃરી હોય છે. મતલબ કે, એક વખત નશા મુક્તિની ટ્રીટમેન્ટ થઇ ગયા બાદ ઘરે ગયેલા દર્દીઓને ફરી નશો કરવાની ઇચ્છા ના થાય એ માટે ફરી વખત કાઉન્સેલિંગ માટે આવવું પડે છે. એક દર્દીને ઓછામાં આછું ત્રણ વખત સારવાર કે કાઉન્સેલિંગની આવશ્યક્તા રહે છે. એસએસજીમાં આવા દર્દીઓ પૈકી કેટલાક ભારે ગુસ્સો કરવાની ટેવ ધરાવતા હોય છે, આવા વાયોલન્ટ દર્દીઓને બીજી દવા આપવી પડે છે.