એટીએમ કાર્ડ માટે છ મહિનાથી ધક્કો ખવડાવતી બેંક ઓફ બરોડા
વડોદરામાં બેંક ઓફ બરોડાની દાંડિયાબજાર શાખામાં ગ્રાહકનો હોબાળો
વડોદરા : બેંક ઓફ બરોડાની દાંડિયાબજાર શાખામાં એક ગ્રાહકે છ મહિના પહેલા એટીએમ-ડેબિટ કાર્ડ માટે અરજી કરી હતી છતા હજુ સુધી કાર્ડ નહી મળતા આજે બેંકમાં જઇને પૂછપરછ કરી હતી અને આ મામલે ગ્રાહકે વીડિયો રેકોર્ડિંગ કરતા તેને કેબીનમાં પૂરી દેવાયો હતો જો કે પોલીસે આવીને મામલો થાળે પાડયો હતો.
વીડિયો રેકોર્ડિંગ કરતા ગ્રાહકને મેનેજરે કેબિનમાં પૂરી દીધો, પોલીસે આવીને સમાધાન કરાવ્યુ, ગ્રાહકે એકાઉન્ટ બંધ કરાવી દીધું
મરીમાતાના ખાંચામાં રહેતો કૃણાલ આવડેનું કહેવું છે કે ઘણા વર્ષોથી બેંક ઓફ બરોડાની દાંડિયાબજાર શાખામાં મારૃ ખાતુ છે.મે છ મહિના પહેલા એટીએમ કાર્ડ માટે અરજી કરી હતી પરંતુ હજુ સુધી મને કાર્ડ આપવામાં આવ્યુ નથી. જ્યારે પણ બેંકમાં જઇને પૂછપરછ કરૃ છું ત્યારે ચીપની અછત હોવાથી કાર્ડ બનતા નથી એવુ કારણ બતાવવામાં આવે છે. આજે મે બેંકમાં જઇને મારા કાર્ડ અંગે પુછતા સ્ટાફના લોકો અને મેનેજરે મારી સાથે ઉધ્ધતાઇથી વર્તન કર્યુ હતુ એટલે મે તે લોકોનું મોબાઇલ કેમેરાથી વીડિયો રેકોર્ડિંગ કર્યુ હતુ તો મેનેજરે મને કેબિનમાં પુરી દીધો હતો અને પોલીસને બોલાવી હતી.
જો કે પોલીસ આવતા મે મારી ફરિયાદ કહેતા પોલીસે પણ બેન્કના મેનેજરને મારી માગ યોગ્ય હોવાનું કહ્યું હતુ. તે પછી મારી પાસે માફીનામું લખાવીને મોબાઇલમાંથી વીડિયો ડિલિટ કરાવી દીધો હતો. બેન્કના આવા વર્તનથી કંટાળીને મે મારૃ એકાઉન્ટ બંધ કરવાની અરજી આપી દીધી હતી.
ચીપની અછત હોવાથી કાર્ડ ઇશ્યુ થવામાં સમસ્યા ઉભી થઇ રહી છે : મેનેજર
બેંક ઓફ બરોડાની દાંડિયાબજાર શાખાના મેનેજર રાજેશ અગ્રવાલ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતુ કે કાર્ડ છ મહિનાથી ઇશ્યુ નથી થયુ તે વાત સાચી છે. તેનુ કારણ એ છે કે કાર્ડમાં લાગતી ચીપની અછત સર્જાઇ છે એટલે ઘણા ગ્રાહકોને કાર્ડ મળ્યા નથી. અમે ગ્રાહકને આ બાબતે સમજાવ્યો હતો પરંતુ તે નિયમ વિરૃધ્ધ જઇને બેંક પ્રિમાઇસીસમાં વીડિયો રેકોર્ડિંગ કરવા લાગ્યો હતો એટલે અમે પોલીસને જાણ કરી હતી જો કે પછી એ ગ્રાહક પણ સમજી ગયો હતો અને હવે કોઇ વિવાદ નથી