અમદાવાદ,રવિવાર,23
જાન્યુ,2022
અમદાવાદ શહેરમાં માર્ચ-૨૦૨૦થી કોરોના મહામારીનો સમય ચાલી
રહ્યો છે.મહામારીના આ સમયમાં પણ મ્યુનિ.તંત્ર દ્વારા કોવિડ વેસ્ટનું કલેકશન કરી
તેને ડમ્પ સાઈટ સુધી પહોંચાડવાની કામગીરી કરતા કોન્ટ્રાકટરોને આર્થિક લાભ કરાવવાના
હેતુથી વધુ રકમ ચૂકવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.કોવિડ વેસ્ટના નિકાલની
કામગીરી માટે મોટા વાહનનો ઠરાવ કરવામાં આવ્યો હતો તેના બદલે કોન્ટ્રાકટરો દ્વારા
નાના વાહનો મોકલવામાં આવ્યા હોવા છતાં ૧૫ મહિનાના સમયમાં આ કામગીરી કરનારા
કોન્ટ્રાકટરોને નિયત રકમથી પણ વધુ રકમ ચૂકવાઈ હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.
માર્ચ-૨૦૨૦ના બીજા સપ્તાહથી શહેરમાં કોરોના સંક્રમણ શરુ
થતાં મ્યુનિ.તંત્ર દ્વારા હોટલો ઉપરાંત હોસ્પિટલો,કોવિડ કેર સેન્ટર તેમજ જે લોકો કોરોના સંક્રમિત થઈ હોમ
કવોરન્ટાઈન થયેલા હોય એવા લોકોના રહેઠાણ સહિતના સ્થળોએથી સ્પોટ ટુ ડમ્પ વેસ્ટ
કલેકશન માટે સોલિડ વેસ્ટની કામગીરી સાથે સંકળાયેલા વિવિધ કોન્ટ્રાકટરોને સ્પોટ ટુ
ડમ્પ વેસ્ટ કલેકશન માટેની કામગીરી સોંપી હતી.૨૩ જુલાઈ-૨૦૨૦ના રોજ મળેલી સ્ટેન્ડીંગ
કમિટીની બેઠકમાં કન્ટેઈન્મેન્ટ સ્થળોએથી ઉતપન્ન થતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે
વેસ્ટ કલેકશનની કામગીરી કરતા કોન્ટ્રાકટરોને બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અલગથી
વાહનો પુરા પાડી કામગીરી કરવા માટે પ્રતિદિન વાહન દીઠ રોજના છ હજાર ઉપરાંત જીએસટી
સાથે કોવિડ વેસ્ટના નિકાલ માટે ઓછામાં ઓછા ત્રણ ફેરા કરવા એ પ્રકારનો ઠરાવ પસાર
કરાયો હતો.
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગનાર અંકુર સાગરે
પ્રતિક્રીયા આપતા કહ્યુ,શહેરના
ત્રણ ઝોનમાં કોવિડ વેસ્ટના નિકાલ માટે મ્યુનિ.તંત્ર તરફથી આપવામાં આવેલી વિગત મુજબ, ૧૫ મહિના દરમ્યાન મધ્ય ઝોનમાં ૨૧ ,પૂર્વ ઝોનમાં ૩૧
અને ઉત્તર ઝોનમાં ૪૨ એમ કુલ મળી ૯૪ નાની ગાડીઓ દ્વારા કોન્ટ્રાકટરો એ કોવિડ વેસ્ટનુ કલેકશન કરી નિકાલકર્યો
હતો.હકીકતમાં મ્યુનિ.તંત્ર નાની ગાડીઓ દ્વારા કરવામાં આવતા વેસ્ટ નિકાલ માટે ૨૩૫૦ પ્રતિ વાહન એક દિવસના લેખે ચૂકવે છે.તેના
બદલે જે ગાડી સવારે કચરો લઈ જાય એ જ ગાડી ફરીથી કોવિડ વેસ્ટ કલેકશન માટે જાય આમ
છતાં પ્રતિ વાહન દીઠ ૪૧૫૦ ઉપરાંત છ હજાર રુપિયા જીએસટી સાથે એમ મળીને કુલ ૧૨૭૩૦ રુપિયા પ્રતિ વાહન ચુકવાયા
છે.
મેડિકલ વેસ્ટ નિકાલ મામલે વિજિલન્સ તપાસ કરાવવા માંગણી
કરાશે
કોરોના મહામારીના સમયમાં કોન્ટ્રાકટરોએ મોટા વાહનને બદલે
નાના વાહનોનો ઉપયોગ મેડિકલ વેસ્ટને ડમ્પ સાઈટ સુધી પહોંચાડવા કર્યો હોવા છતાં
મ્યુનિ.તંત્ર તરફથી મોટી રકમના બીલોના પેમેન્ટ કરવામાં આવ્યા છે.આ બાબતમાં
વિજિલન્સ તપાસ કરાવવા માંગણી કરાશે એમ વિપક્ષનેતા શહેજાદ ખાન પઠાણે પ્રતિક્રીયા
આપતા કહ્યુ છે.


