MSU હેડ ઓફિસના એકાઉન્ટ વિભાગમાં એક કર્મચારી દારુ પીતા ઝડપાયો
વડોદરા,તા.7.ફેબ્રુઆરી,શુક્રવાર,2020
એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં તાજેતરમાં વિદ્યાર્થીઓ દારુની મહેફિલ જમાવતા ઝડપાઈ ગયા હતા.
હવે આ ચેપ યુનિવર્સિટીની કર્મચારી આલમમાં ફેલાયો હોય તેમ લાગે છે.કર્મચારી આલમમાં જોરશોરથી ચાલી રહેલી ચર્ચા પ્રમાણે યુનિવર્સિટીની હેડ ઓફિસના એકાઉન્ટ વિભાગમાં એક કર્મચારી દારુ પીતા રંગે હાથ પકડાઈ ગયો હતો.
બે દિવસ પહેલા રજિસ્ટ્રારને બાતમી મળી હતી કે, એકાઉન્ટ વિભાગમાં દારુની મહેફિલ જામતી હોય છે.સાંજના સમયે કર્મચારીઓના જવાના સમયે જ્યારે રજિસ્ટ્રારે ચેકિંગ હાથ ધર્યુ ત્યારે એકાઉન્ટ વિભાગમાં એક કર્મચારી દારુ પીતા પકડાઈ ગયો હતો.
જોકે આ કર્મચારી સામે કોઈ પગલા લેવાયા નથી.કર્મચારીએ કરેલી વિનંતીના કારણે કે પછી બીજા કોઈ કારણસર રજિસ્ટ્રારે આ કર્મચારીને છોડી મુક્યો હતો.એક તરફ વિદ્યાર્થીઓ દારુ પીતા પકડાય તો વિજિલન્સ સ્કવોડ તેમને પોલીસને સોંપી દે છે અને કર્મચારીને છોડી મુકવામાં આવે છે.જોકે આ મુદ્દે વધારે જાણકારી મેળવવા માટે વારંવાર પ્રયત્ન કર્યા પછી પણ યુનિવર્સિટી રજિસ્ટ્રારનો સંપર્ક સાધી શકાયો નહોતો.