દિલ્હી-વડોદરા ફ્લાઇટનું જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
એન્જિનમાં ઘરેરાટી અને વાઇબ્રેશન થતાં પેસેન્જરોના જીવ તાળવે ચોંટયા, ત્રણ કલાક બાદ બીજી ફ્લાઇટમાં મુસાફરો વડોદરા પહોંચ્યા
વડોદરા : દિલ્હીથી વડોદરા આવવા નીકળેલી ઇન્ડિંગોની ફ્લાઇટનું જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિં કરવુુ પડયું હતું. છેલ્લા એક મહિનામાં વિવિધ એરલાઇન્સના વિમાનોમાં ટેકનિકલ ખામી સર્જાવી અને ઇમરજન્સી લેન્ડિંગ જેવી ઘટનાઓ વધરા ડીજીસીએ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર ગુરૃવારે દિલ્હી એરપોર્ટથી રાત્રે ૮ વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટે વડોદરા આવવા ટેકઓફ કર્યુ હતું. દરમિયાન ફ્લાઇટના એન્જિનમાં ઘરેરાટી થવા લાગી હતી અને એન્જિનમાં ધુ્રજારી (વાઇબ્રેશન) થતુ હોવાથી પાયલોટે તુરંત જયપુર એરપોર્ટનો સંપર્ક કર્યો હતો અને રાત્રે ૮.૩૦ વાગ્યે જયપુર એરપોર્ટ પર ફ્લાઇટે ઇમરજન્સી લેન્ડિંગ કર્યુ હતું. ફ્લાઇટમાં ૧૭૯ મુસાફરો હતા અને ફ્લાઇટમાં ખામી સર્જાતા તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા જો કે જયપુર એરપોર્ટ પર સુરક્ષા પુર્વક લેન્ડિંગ થઇ જતા મુસાફરો અને કેબીન ક્રુને હાશકારો થયો હતો.
ઇન્ડિગો દ્વારા ત્રણ કલાક બાદ એટલે કે ૧૧.૩૦ વાગ્યે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મુસાફરોને વડોદરા પહોંચાડવામાં આવ્યા હતા. ૧૭૯ પૈકી એક મુસાફર જયપુરથી જ અમદાવાદ જવા નીકળી ગયો હતો. ઉલ્લેખનીય છે કે પગારના મામલે ઇન્ડિગો એરલાઇન્સનાપાયલોટ્સ અને સ્ટાફ દ્વારા તાજેતરમાં જ સીક લીવ પર ઉતરી જવા ચિમકી ઉચારવામાં આવી રહી છે તેવા સમયે ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાવાની ઘટનાથી ઇન્ડિગોની સમસ્યામાં વધારો થયો છે.