બે કરોડનું વીજ બિલ નહીં ભરનારા ૭૦૦૦ ગ્રાહકોના કનેક્શન કાપવાની કામગીરી
વડોદરાઃ કોરોનાના સંક્રમણથી શહેરમાં મચેલા હાહાકાર વચ્ચે મધ્ય ગુજરાત વીજ કંપનીએ આજે વીજ બિલ નહીં ભરનારા ગ્રાહકોના જોડાણો કાપવા માટે ૧૫૦ ટીમોને શહેરના વિવિધ વિસ્તારોમાં ઉતારી હતી.
વીજ કંપનીના સૂત્રોએ કહ્યુ હતુ કે, શહેરના ગોરવા અને અલકાપુરી સબ ડિવિઝનને છોડીને દરેક સબ ડિવિઝનમાં વીજ જોડાણો કાપવા માટેની ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.ગોરવા અને અલકાપુરી સબ ડિવિઝનમાં ફરજ બજાવતા વીજ કર્મચારીઓમાં કોરોનાનુ પ્રમાણ વધારે હોવાથી આ બે સબ ડિવિઝનને હાલમાં બાકાત રાખવામાં આવ્યા છે.
સૂત્રોનુ કહેવુ હતુ કે, આજે કુલ ૭૦૦૦ જોડાણો કાપવાનો ટાર્ગેટ ટીમોને આપવામાં આવ્યો હતો.આ ૭૦૦૦ જોડાણોનુ લગભગ ૨ કરોડ રુપિયાનુ વીજ બિલ બાકી છે.વીજ જોડાણ કાપવા જતી ટીમોને સાથે સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી હતી.જેમણે બાકી વીજ બિલ ભરવાની તૈયારી બતાવી હતી તેમના જોડાણ કાપવામાં આવ્યા નહોતા.હવે સોમવારે ધૂળેટીની રજા બાદ ફરી મંગળવારે અને બુધવારે વીજ જોડાણો કાપવાની કામગીરી કરવામાં આવશે.એક અંદાજ પ્રમાણે મંગળવારે અને બુધવારે કુલ મળીને ૮૦૦૦ જેટલા વીજ જોડાણો કાપવાનો ટાર્ગેટ અપાશે.આ વીજ જોડાણોના બિલ પેટે વીજ કંપનીને લગભગ ચાર થી પાંચ કરોડ રુપિયાની વસૂલાત કરવાની બાકી છે.આજે લગભગ ૩૦૦ વીજ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી.જ્યારે મંગળવારે અને બુધવારે તેના કરતા પણ વધારે સંખ્યામાં વીજ કર્મચારીઓને ડ્રાઈવમાં સામેલ કરાશે.કોરોનાના કારણે જોડાણો કાપવાની કામગીરી પાછી ઠેલવાની વીજ કર્મચારીઓના સંગઠનની લાગણીને સત્તાધીશોએ ધ્યાનમાં લીધી નહોતી.સૂત્રોનુ કહેવુ હતુ કે, ફેબુ્રઆરીમાં જ આ કામગીરી કરવાની હતી પણ ચૂંટણીના કારણે તેને પાછી ઠેલવામાં આવી હતી.