Gujarat

ચૂંટાયેલા નગરસેવકોએ મર્યાદા વટાવી, મકતમપુરા વોર્ડમાં અવૈધ વસાહતોને પાણી જોડાણ આપવા ભલામણ કરતા કોર્પોરેટરો

By GS Team
28 Feb 20222 mins read
This article was originally published on 28 Feb 2022
ચૂંટાયેલા નગરસેવકોએ મર્યાદા વટાવી, મકતમપુરા વોર્ડમાં અવૈધ વસાહતોને પાણી જોડાણ આપવા ભલામણ કરતા કોર્પોરેટરો

અમદાવાદ,રવિવાર,27 ફેબ્રુ,2022

અમદાવાદના એક વર્ષ અગાઉ ચૂંટાઈને આવેલા કોર્પોરેટરો પૈકી મકતમપુરા વોર્ડના કોર્પોરેટરોએ સરકાર હસ્તકની ખરાબા ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે સંપાદિત કરવામાં આવેલી જમીન ઉપર બાંધવામાં આવેલી અવૈધ વસાહતોને મ્યુનિ.તરફથી કાયદેસરના પાણી જોડાણ આપવાની દરખાસ્ત રજૂ કરતા ખળભળાટ મચી ગયો હતો.જો કે પાણી કમિટીની બેઠકમાં મંજુરી માંગતી આ દરખાસ્ત હાલ તો સરકારના નિયમની જોગવાઈને આધીન રહી આગળની કાર્યવાહી કરવી એમ કહીને બાજુ ઉપર મુકી દેવામાં આવી છે.આ વોર્ડમાં ગેરકાયદે બંધાયેલી સોસાયટીઓ પાસે માન્યતાના પુરાવા માંગ્યા સિવાય જોડાણ આપવા સુધીની માંગણી દરખાસ્તમાં કરાઈ હતી.

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા મકતમપુરા વોર્ડના  ફતેહવાડી વિસ્તારમાં આવેલાં લાલબાગ કબ્રસ્તાનમાં મ્યુનિ.નો પાણીનો બોર આવેલો છે.આ બોરના માળખામાંથી આસપાસના વિસ્તારમાં જે તે સમયે સરકાર હસ્તકની જુદા-જુદા હેતુ માટે સંપાદન કરવામાં આવેલી જમીનમાં ઉભી કરી દેવામાં આવેલી ગેરકાયદેસર સોસાયટીઓ અને વસાહતોને મ્યુનિ.ના ખર્ચે પાણીની પાઈપલાઈન નાંખી આપવા વોર્ડના ચાર કોર્પોરેટરો દ્વારા પાણી કમિટીમાં દરખાસ્તના રૃપમાં ભલામણ કરાઈ હતી.મકતમપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર હાજી અસરાર બેગ ઉપરાંત એમ.આઈ.એમ.ના મહંમદ ઝુબેર પઠાણ,સુહાના મન્સુરી તથા જૈનલબીબી શેખ તરફથી કરાયેલી ભલામણને લઈ મ્યુનિ.ભાજપના હોદ્દેદારો પણ ચોંકી ગયા હતા.

મકતમપુરા વોર્ડના કોર્પોરેટરોએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૭૦.૨૦.૧૦. અંતર્ગત સોસાયટીઓ પાસેથી માન્યતાના પુરાવા માંગ્યા સિવાય સોસાયટીઓમાં આવેલા આંતરીક રસ્તાઓ ઉપર મ્યુનિ.ના ખર્ચે પાણીની પાઈપલાઈન નાંખી પાણીના જોડાણ આપવાની દરખાસ્તમાં કોર્પોરેટરોએ ભલામણ કરી હતી.કોર્પોરેટરોએ  સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જે તે સમયે સંપાદીત કરવામાં આવેલી જમીન ઉપર બંધાઈ ગયેલી સોસાયટીઓને માટે પાણીના જોડાણ આપવાની ભલામણ કરતા તેમણે મર્યાદા ઓળંગી હોવાનું મ્યુનિ.વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.જો આ પ્રકારે શહેરના કોર્પોરેટરો જ ગેરકાયદે બંધાયેલી સોસાયટીઓને કાયદેસરના પાણી આપવાની ભલામણ કરતા રહેશે તો કાલે શહેરમાં સાત ઝોનમાં બંધાયેલા અને હાલમાં બંધાઈ રહેલા તમામ ગેરકાયદેસર બાંધકામ તરફથી આ પ્રમાણેની માંગણી થઈ શકે છે.