અનેક રોકાણકારોને રડાવનાર સહારાની વડોદરા-જામનગરની આઠ મિલકતો ટાંચમાં લેવાશે
રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપવા ઉપરાંત લોભામણી ઇનામી યોજનાઓ સહારાએ જાહેર કરી હતીઃ સીઆઇડી ક્રાઇમ દ્વારા કાર્યવાહી
વડોદરા, તા.31 સહારા ક્રેડિટ કો.ઓ. સોસાયટીમાં રોકાણકારોએ રોકેલા નાણાં પરત અપાવવા માટે ગુજરાતમાં આવેલી સહારાની વડોદરા અને જામનગરની પ્રોપર્ટી ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુનીલ અર્જુનભાઇ સોલંકીએ સુધીરકુમાર શ્રીવાસ્તવ, હરીશચન્દ્ર યાદવ અને અન્ય ૧૯ શખ્સો વિરુધ્ધ સીઆઇડી ક્રાઇમ વડોદરા ઝોનમાં તા.૧૭ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે સહારા ક્રેડિટ કો.ઓ.સોસાયટીના ડાયરેક્ટર્સ તથા તમામ કર્તાહર્તાઓએ વર્ષ-૨૦૧૦થી રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપવા ઉપરાંત લોભામણી ઇનામી યોજનાઓ બહાર પાડી હજારો રોકાણકારો પાસે રોકાણ કરાવ્યુ હતું. મુદત પૂર્ણ થતા રોકાણકારોને રકમ પરત નહી આપી રૃા.૧૭.૩૭ કરોડની છેતરપિંડી કરી છે.
સીઆઇડી ક્રાઇમ દ્વારા ઉપરોક્ત ફરિયાદની તપાસ હાથ ધરી ધી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ-૨૦૦૩ મુજબ સહારાની ગુજરાતમાં આવેલી મિલકતો શોધી કાઢવામાં આવી છે. વડોદરા તેમજ જામનગર જિલ્લામાં આવેલી સહારાની પ્રોપર્ટીઓ ટાંચમાં લઇ તેની હરાજી કરવાની પ્રક્રિયા કરવા માટે ગૃહ વિભાગ દ્વારા વડોદરા અને જામનગર જિલ્લાના કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યા હતાં.
સીઆઇડી ક્રાઇમ દ્વારા સહારાની જે મિલકતોની ે ઓળખ કરવામાં આવી છે તેની વર્તમાન બજારકિંમત આશરે રૃા.૧૧ કરોડની થાય છે. આ મિલકતો ટાંચમાં લેવા માટે વડોદરાના પ્રાંત અધિકારીને કોમ્પિટન્ટ ઓથોરિટિ તરીકે ડેઝીગ્નેટેડ કોર્ટના આખરી હુકમ સુધી પ્રોપર્ટી કબજે લઇ રાખવા જણાવાયું છે. આ હુકમ મુજબ અગાઉ એસડીએમ દ્વારા ઓક્ટોબર-૨૦૨૧માં કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ ફરીથી ટાંચમાં લેવા માટે જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે.