Get The App

સ્માર્ટ સિટી તંત્રના અધિકારીઓ વચ્ચે અહંમનો ટકરાવ મોટાભાગના નિમણૂંક પામેલાં આસિસ્ટન્ટ મ્યુ.કમિશનર વોર્ડમાં રાઉન્ડ લેતા જ નથી

લોકોની ફરિયાદના વોર્ડ કક્ષાએ નિકાલ માટેના પૂર્વ કમિશનરના પરિપત્રને ઘોળીને પી જતા ઉચ્ચ અધિકારીઓ

Updated: Mar 22nd, 2022

GS TEAM

Google News
Google News
સ્માર્ટ સિટી તંત્રના અધિકારીઓ વચ્ચે અહંમનો ટકરાવ મોટાભાગના નિમણૂંક પામેલાં  આસિસ્ટન્ટ મ્યુ.કમિશનર વોર્ડમાં રાઉન્ડ લેતા જ નથી 1 - image

અમદાવાદ,મંગળવાર,22 માર્ચ,2022

સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિ.વહીવટી તંત્રમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા નિમણૂંક આપવામાં આવેલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બે વર્ષ બાદ તંત્ર માટે સફેદ હાથી સમાન પુરવાર થઈ રહ્યા છે.જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધી ફરિયાદ લઈને જતા લોકોને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરવા કહેવામાં આવે છે.જયારે મોટાભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વોર્ડમાં રાઉન્ડ લેતા ના હોવાની ફરિયાદ સત્તાધારી પક્ષના કોર્પોરેટરો તરફથી મળવા પામી છે.પૂર્વ મ્યુનિ.કમિશનરે કરેલા પરિપત્રને ઉચ્ચ અધિકારીઓ ઘોળીને પી જતા અધિકારીઓ વચ્ચેના ટકરાતા અહંમની વચ્ચે હજારો નિર્દોષ શહેરીજનોની દશા કફોડી થઈ રહી છે.

પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ વોર્ડ કક્ષાએ લોકોની સમસ્યાનું તાકીદે નિરાકરણ થાય એ માટે આસિસ્ટન્ટ મ્યુ.કમિશનરોને વોર્ડની જવાબદારી સોંપી હતી.૧૧ નવેમ્બર-૨૦૧૯ના દિવસે કમિશનરે સરકયુલર નંબર-૫૭ કરીને જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને વોર્ડ સ્તરની ફરજ સોંપવામાં આવી હતી.તેવા તમામે શું-શું કામગીરી કરવાની એ બાબતને સ્પષ્ટ કરવામાં આવી હતી.

આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને ફાળવવામાં આવેલા વોર્ડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ,હેલ્થ ઉપરાંત સેનિટેશન તથા એસ્ટેટ અને એન્જિનિયરીંગ અને અન્ય તમામ વિભાગોની કામગીરીનું સુપરવિઝન કરવા ઉપરાંત લોક સંપર્ક કરી લોકોની ફરિયાદો,રજુઆત અને સુચનો મેળવવાના રહેશે એમ આ પરિપત્ર કરી વિજય નહેરાએ કામગીરીને સ્પષ્ટ કરી હતી.રોજ સવારે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ફાળવવામાં આવેલા વોર્ડમાં નિયમિત રાઉન્ડ લેવાની પણ એ સમયે કમિશનર દ્વારા તમામ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.

આમ છતાં અમદાવાદ પૂર્વમાં આવેલા મધ્ય ઝોન ઉપરાંત દક્ષિણ ઝોન,પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને સુચના આપવામા આવી હોવા છતાં મોટાભાગના અધિકારીઓ વોર્ડમાં નિયમિત રાઉન્ડ લેતા ના હોવાની ફરિયાદ વિપક્ષ કોંગ્રેસ ઉપરાંત ભાજપના કોર્પોરેટરો દ્વારા મીડીયા સમક્ષ નામ ના આપવાની શરતે કરવામાં આવી છે.આ પરિસ્થિતિમાં પણ સત્તાધારી પક્ષના મેયર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન,પક્ષનેતા અને શાસકપક્ષના દંડક કયા કારણથી આસિસ્ટન્ટ કમિશનર વોર્ડમાં નિયમિત રાઉન્ડ લેવા જતા નથી? મ્યુનિસિપલ કમિશનર કે ડેપ્યુટી કમિશનરને પુછવાની હીંમત નથી કરી શકતા એ આ સ્માર્ટ સિટીમાં વસતા લાખો શહેરીજનો માટે આઘાતજનક બાબત છે.

વોર્ડ સમિતિની બેઠક પણ નિયમિત મળતી નથી

ભાજપના કોર્પોરેટરોને પુછવામાં આવ્યું કે,તમારા વોર્ડમાં છેલ્લે વોર્ડ સમિતિની બેઠક કયારે બોલાવવામાં આવી હતી? એના જવાબમાં આ કોર્પોરેટરોએ જવાબ આપ્યો કે,બે મહિના જેટલો સમય થઈ ગયો હશે.પૂર્વ કમિશનર વિજય નહેરાએ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને વોર્ડ કક્ષાની ફરજ સોંપી એ સમયે પરિપત્રમાં જ કહ્યુ હતુ કે,પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે વોર્ડ સંકલન સમિતિ બનાવાની રહેશે.આ સંકલન સમિતિની બેઠકનું આયોજન દર શનિવારે કરવાનું રહેશે.જે આસિસ્ટન્ટ મ્યુ.કમિશનરને એક વોર્ડ સોંપવામાં આવ્યો હોય એમણે દર શનિવારે બપોરે ૩ કલાકે અને જેમને બે વોર્ડ સોંપવામાં આવ્યા હોય એમણે દર શનિવારે ૧૧ કલાકે સંકલન સમિતિની બેઠક બોલાવવાની રહેશે.આમ છતાં હાલમાં પણ બે-બે મહિના જેટલો સમય પસાર થવા છતાં આસિસ્ટન્ટ મ્યુ.કમિશનર વોર્ડ સંકલન સમિતિની બેઠક બોલાવતા નથી.અમારે તો લોકોની ફરિયાદો ના ઉકેલાતા ઠપકો જ સાંભળવાનોને એમ ભાજપના જ કોર્પોરેટરો કહે છે.

મધ્ય, દક્ષિણ  ઝોન ઈન્ચાર્જ ડેપ્યુટી કમિશનરને હવાલે કરાતા લોકોની કફોડી હાલત

અમદાવાદ શહેરને જે મધ્યઝોનના કારણે વૈશ્વિક હેરિટેજ શહેરનો દરજજો મળ્યો હતો એવા મધ્ય ઝોનના પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ મહેતાની બદલી થયા બાદ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને એસ.વી.પી.હોસ્પિટલ,ફાયર વિભાગ સહિત અનેક વિભાગની જવાબદારી સંભાળતા રમ્યકુમાર ભટ્ટને મધ્યઝોનના ડેપ્યુટી મ્યુ.કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે.પૂર્વ ઝોનમાં જે.એસ.પ્રજાપતિના સ્થાને જે.એન.વાઘેલાને પૂર્વ ઝોનના  ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.દક્ષિણ ઝોનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઈન્ચાર્જ તરીકે દિપક ત્રિવેદીને ફરજ સોંપવામાં આવી છે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો પાસે કામનું ભારણ વધુ છે જયારે મોટાભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને વોર્ડમાં નિયમિત રાઉન્ડ લેવાને બદલે એ.સી.ઓફિસમાં બેસી કામ કરવાનું પસંદ હોવાથી લોકોની સમસ્યા ઉકેલાતી ના હોવાનું ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઈકબાલ શેખે પ્રતિક્રીયા આપતા કહ્યુ છે.