મ્યુનિ.એ 500 બેડની સુવિધા સાથેની 15 ખાનગી હોસ્પિટલો સંપાદિત કરી
- કોરોનાના બહારગામના કેસોમાં થયેલાં મોટા વધારાના કારણે
- વેન્ટિલેટર-ICUની બેડની સુવિધા પણ ગંભીર દર્દીઓને મળી રહેશે : દાખલ થનાર દર્દીની તુરત મ્યુનિ.ને જાણ કરવાની રહેશે
અમદાવાદ, તા. 30 જુલાઇ, 2020, ગુરૂવાર
ગુજરાતમાં કોરોનાના કેસ રોજેરોજ વધતા જાય છે. જેના કારણે બહારગામના દર્દીઓ પણ સારવાર લેવા માટે મોટી સંખ્યામાં અમદાવાદ આવી રહ્યાં છે.
આ સંદર્ભમાં અમદાવાદ સહીત જુદાં જુદાં જીલ્લાઓમાંથી આવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવામાં મુશ્કેલી ના પડે તે હેતુથી મ્યુનિ. કોર્પોરેશને વધુ 15 ખાનગી હોસ્પિટલો સંપાદિત - એક્વાયર કરી છે. અમદાવાદ શહેર સિવાયના જે-કોઇ દર્દી દાખલ થાય તેની આ હોસ્પિટલોએ તાત્કાલિક મ્યુનિ. તંત્રને જાણ કરવાની રહેશે.
રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં કમિશનર મુકેશ કુમાર અને અન્ય ડેપ્યુટી કમિશનરોની રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. જેમાં એમ નક્કી થયું હતું કે હાલ અમદાવાદના દર્દીઓ માટે 59 ખાનગી હોસ્પિટલો હસ્તગત કરાયેલ છે.
એટલે હાલ પૂરતું નવી ખાનગી હોસ્પિટલો સંપાદિત કરાઇ છે તેમાં તમામ 100 ટકા બેડમાં હોસ્પિટલ પોતાની રીતે પ્રાઇવેટ બેડમાં દાખલ કરી શકશે. જેથી મ્યુનિ.ને ખાલી રહેતી બેડના ચાર્જ ભરવા ના પડે કે એડવાન્સ ગ્રાન્ટની ચુકવણી કરવી ના પડે. ભવિષ્યમાં જરૂર પડશે તો મ્યુનિ. કોર્પોરેશન પોતાના 50 ટકા ક્વોટાના બેડનો અમદાવાદના દર્દીઓ માટે ઉપયોગ કરી શકશે.
આ હોસ્પિટલોમાં અમદાવાદ ઉપરાંત બહારના દર્દીઓને લેવાની છૂટ રહેશે તેમ જણાવી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ ઉમેર્યું હતું કે આ નિર્ણયથી કોરોનાના દર્દીઓ માટે વધારાની 500 બેડ ઉપલબ્ધ થશે. ઉપરાંત શહેર અને બહારગામના ગંભીર દર્દીઓના વધારાના આઈસીયુ બેડ ઉપલબ્ધ થશે. અન્ય જીલ્લાના દર્દીઓને હોસ્પિટલ અને બેડ મેળવવામાં આ નિર્ણયથી સુવિધા ઊભી થશે.
કઈ હોસ્પિટલો નક્કી કરાઈ ?
(1) |
ચંદ્રમણી હોસ્પિટલ, શાહીબાગ |
(2) |
શ્રી ભારતી વલ્લભ હોસ્પિટલ, શાહીબાગ |
(3) |
શિવાલિક મલ્ટી સ્પે. હોસ્પિટલ, વિરાટનગર |
(4) |
સૌમિત્ર મલ્ટી હોસ્પિટલ, વસ્ત્રાલ |
(5) |
કેરપ્લસ મલ્ટી હોસ્પિટલ, નિર્ણયનગર |
(6) |
સિટીપ્લસ હોસ્પિટલ, સોલા |
(7) |
શાલીન હોસ્પિટલ, સાયન્સિટી રોડ |
(8) |
સનરાઇઝ હોસ્પિટલ, કૃષ્ણનગર |
(9) |
લિટલ ફ્લાવર સુપર સ્પે., મણીનગર |
(10) |
પ્રમુખ હોસ્પિટલ, ખોખરા |
(11) |
પાર્થ હોસ્પિટલ, પાલડી ભઠ્ઠા |
(12) |
ગુરૂપ્રેમ હોસ્પિટલ, નારણપુરા |
(13) |
કિડની હોસ્પિટલ, સ્ટેડિયમ |
(14) |
ટર્નિંગ પોઇન્ટ હોસ્પિટલ, એલિસબ્રિજ |
(15) |
યુરો કેર એસો.-આરના હોસ્પિટલ, મણીનગર |
હોસ્પિટલમાં દર્દીએ કેટલા ચાર્જ ભરવા પડશે ?
કેટેગરી |
રકમ (રોજના) |
વોર્ડ |
9000 |
એચડીયુ-ઓક્સીજન સાથે |
12600 |
આઈસોલેશન-આઈસીયુ |
18050 |
વેન્ટીલેટર, આઈસીયુ, આઇસોલેશન |
21850 |
નોંધ : દવાઓ, ઈંજેકશન, સ્પે. ડોક્ટરની વિઝીટની ફી, લેબોરેટરી પરીક્ષણના ચાર્જ અલગથી થશે. દર્દીને બે સમય ભોજન, ચા-નાસ્તો ઉપરના ચાર્જીસમાં આવી જાય છે.