Get The App

ડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની

- કોરોના સંક્રમણ, લૉકડાઉનના કારણે ડુંગળીની માંગ ઘટી

- હોલસેલમાં કિલોનો ભાવ 8 થી 8 રૂપિયા બોલાતા સંગ્રહ કરનાર ખેડૂતો-વેપારીઓને નુકશાન

Updated: Aug 1st, 2020

GS TEAM

Google News
Google News

અમદાવાદ,તા.1 ઓગષ્ટ, 2020, શનિવારડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની 1 - image

કોરોના મહામારીમાં ડુંગળી પકવતા ખેડૂતોને આ વર્ષે ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ વેપારીઓએ પણ આર્થિક નુકશાની ભોગવવી પડી રહી છે. હોટલ, રેસ્ટેરન્ટો બંધ હોવા અને સંક્રમણના જોખમ વચ્ચે માર્કેટયાર્ડ બંધ રહેતા ડુંગળીની માંગમાં પચાસ ટકાથી વધુની ઘટ પડી જતા હાલ ડુંગળીના ભાવ તળિયે જતા રહ્યા છે. હાલમાં હોલસેલમાં ૮ થી ૯ રૂપિયાનો ભાવ ચાલતો હોવાથી ડુંગળી સંગ્રહ કરનારા ખેડૂતો અને વેપારીઓની માઠી દશા બેઠી છે.

ડુંગળીના વેપાર  સાથે સંકળાયેલા ખેડૂતો તેમજ વેપારીઓના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ડુંગળીનો મોટાપાયે સંગ્રહ થયેલો છે. તેઓએ ડુંગળી ૯ થી ૧૦ રૂપિયે કિલોના ભાવે ખરીદીને સંગ્રહ કરી હતી. સંગ્રહ કરાયેલા માલની ગુણવત્તા ઓછી હોવાથી માલ બગડી રહ્યો છે. મણે ૪ થી ૫ કિલો માલનો બગાડ થઇ રહ્યો છે. આ સ્થિતિમાં માલ કાઢી નાંખવો પડી રહ્યો છે.

હાલમાં હોલસેલ માર્કેટમાં ડુંગળીના ફક્ત ૮ થી ૯ રૂપિયા કિલોનો ભાવ બોલાઇ રહ્યો છે.  જે ખેડૂતો-વેપારીઓનેે બિલકુલ પરવળે તેમ ન હોવાથી તેઓની હાલત કફોડી બની ગઇ છે. ઓગષ્ટના અંત ભાગમાં દક્ષિણ ભારતમાંથી ડુંગળીનો માલ આવશે. તેમાં વરસાદથી નુકશાની ન થાય  તો જુના માલમાં વધુ મંદી આવી શકે છે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે.

નોંધપાત્ર છેકે ગત વર્ષે  આ સમયગાળામાં હોલસેલમાં ડુંગળીનો ભાવ કિલોએ ૧૨ થી ૧૩ રૂપિયા બોલાતો હતો. આ વર્ષે તેમાં ૪ રૂપિયાનો ભાવ તૂટયો છે. સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. ડુંગળી મળવી પણ મુશ્કેલ બનતા દિલ્હી જેવા પ્રદેશોમાં તો ડુંગળી પર રાજકારણ પણ ગરમાઇ  જતું હોય છે.

આ વર્ષે કોરોના સંક્રમણ, લોકડાઉન, વેપાર-ધંધા ઠપ, શાકભાજીની ઓછી માંગ, રોજીરોટી છિનવાઇ જવી, બેરોજગારી,  કમાણી બંધ થવા સહિતના કારણોસર ડુંગળીનો વેપાર પણ ઠપ જેવી હાલતમાં હોવાથી ડુંગળીમાં આ વર્ષે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે.

હાલમાં અમદાવાદમાં છૂટક બજારમાં ડુંગળી ૨૦ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહી છે.જે ગત વર્ષે છૂટક બજારમાં ૪૦ થી ૫૦ રૂપિયાના ભાવે વેચાતી હતી. ડુંગળીનો જ્યાં મોટાપાયે વેપાર થાય છે તે મહુવા માર્કેટયાર્ડમાં હોલસેલમાં હાલમાં કિલોનો ભાવ ૭ થી ૮ રૂપિયા બોલાઇ રહ્યો છે.


Tags :