બાલાસિનોરના રૈયાલી ડાયનાસોર મ્યુઝિયમમાં ફેઇઝ-2ના 20 કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત
- મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી ઈ-ભૂમિપૂજન કર્યું
- રાજ્યનું ટુરિઝમ સેક્ટર સૌથી વધુ રોજગારી પૂરી પાડી ઇકોનોમિક ગ્રોથમાં નવી તાકાત બની ઉભર્યું : વિજય રૂપાણી
પ્રવાસન વિભાગના ઉપક્રમે યોજાયેલા ઈ-લોકાપર્ણ-ખાતમૂર્હૂત કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયાલી ડાયનાસોર મ્યૂઝિયમ ફેઇઝ-ર ના રૂ. ર૦ કરોડના કામોનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-ભૂમિપૂજન ગાંધીનગરથી કર્યું હતું.
આ અવસરે ભારત સરકારના પ્રવાસન રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે નવી દિલ્હીથી વિડીયો લીન્ક મારફતે ઉપસ્થિત રહીને શુભકામનાઓ આપી હતી. મુખ્ય મંત્રીએ રાજ્યના ધર્મસ્થાનો સહિત પ્રવાસન ધામો, તીર્થક્ષેત્રોનો સર્વાંગી વિકાસ કરીને વિશ્વના નકશે દૈદીપ્યમાન બનાવવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું કે, સર્વિસ સેકટરમાં ખાસ કરીને ટુરિઝમ સેકટર સૌથી વધુ રોજગારી પૂરી પાડીને ઇકોનોમીક ગ્રોથમાં નવી તાકાત બની ઊભરી રહ્યું છે.
ગુજરાતમાં જે પ્રવાસન- યાત્રાધામોનું વૈવિધ્ય છે તે વિશ્વભરના પ્રવાસી-સહેલાણીઓને આકર્ષે છે અને પાછલા બે વર્ષમાં ટુરિઝમ સેકટરના ઝડપી વિકાસથી રોજગારી સહિતનો ઇકોનોમીક ગ્રોથ સતત વધતો રહ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું.
આવા ઇ-લોકાર્પણ-ખાતમૂર્હતની શૃંખલાઓથી ગુજરાત વિકાસ માર્ગે આગળ વધ્યું છે અને ન ઝૂકયુ છે ન રોકાયું છે એવા આફતને અવસરમાં પલટવાના સંસ્કાર આપણે વિકસાવ્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
પ્રાગૈતિહાસિક શોધ-સંશોધન કરનારા વિશ્વના સંશોધનકારો, વિદ્યાર્થીઓ માટે આ ડાયનાસૌર પાર્ક મ્યુઝિયમ અત્યંત ઉપયોગી બનવા સાથે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓના પ્રવાસન કેન્દ્ર તરીકે પણ વિકાસ પામશે તેવી અપેક્ષા દર્શાવી હતી. પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ સૌને આવકારી પ્રવાસન વિકાસ માટેના બહુવિધ આયોજનોથી વિગતો આપી હતી. મુખ્ય મંત્રીએ ઇ-તકતીના માધ્યમથી ખાતમુર્હૂત કર્યું તે પ્રસંગે યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોર, રાજ્ય મંત્રીઓ વીર મેઘમાયા સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ અને સાંસદ ડા. કિરીટ સોલંકી, રાજચંન્દ્ર મિશનના ભરતભાઇ મોદી અને પ્રવાસન સચિવ મમતા વર્મા, પ્રવાસન નિગમના એમ.ડી. જેનુદેવન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.