મયુર તડવીએ યુ ટયુબના વિડીયોની મદદથી બનાવટી કોલ લેટર બનાવ્યો
પરિવારમાં પ્રભાવ પાડવા માટે બોગસ કોલ લેટર તૈયાર કર્યો
કોલ લેટરની પીડીએફમાં છેડછાડ કરવા માટે સાત થી આઠ જેટલી અલગ અલગ એપ્લીકેશનનો ઉપયોગ કર્યાનો પણ ખુલાસો
અમદાવાદ,સોમવાર
કરાઇ પોલીસ તાલીમ અકાદમીમાં બોગસ કોલ લેટર લઇને પીએસઆઇની તાલીમ
લેવા આવેલા મયુર તડવી વિરૂદ્વ ગુનો નોંધ્યા બાદ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા
તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં તેણે પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ તેણે પરીક્ષા પાસ
કરનારની યાદી તપાસી હતી અને વિશાલ રાઠવાનું નામ કાઢીને તેનું નામ ઉમેરવાનું નક્કી કર્યું
હતું. આ માટે તેણે થોડા દિવસ પહેલાથી જ પીડીએફમાં નામ બદલવા માટે યુ-ટયુબ પર અનેક વિડીયો જોયા હતા અને તેના આધારે અલગ અલગ
એપ્લીકેશન ડાઉનલોડ કરીને અનેક પ્રયત્નો બાદ બોગસ કોલ લેટર તૈયાર કર્યો હતો.
કરાઇ પોલીસ તાલીમ અકાદમીમાં બોગસ કોલ લેટરને આધારે પીએસઆઇની
તાલીમ લેવા પહોંચેલા મયુર તડવીની પુછપરછમાં ગાંધીનગર એલસીબીને અનેક ચોંકાવનારી વિગતો
મળી છે. મયુર તડવીની પુછપરછમાં તેણે તૈયાર કરેલો બોગસ કોલ લેટર આ કેસનો સૌથી મોટો પુરાવો
છે. ત્યારે તેણે કઇ રીતે બનાવટી કોલ તૈયાર કર્યો? કોની મદદ લીધી ?
તે બાબતે પોલીસ દ્વારા વિશેષ પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું
પીએસઆઇની ભરતી માટેની શારિરીક કસોટીમાં તે નાપાસ થયો હતો પણ પરિવારમાં પ્રભાવ પાડવા
માટે તેણે અગાઉથી નક્કી કર્યું હતું અને લેખિત પરીક્ષાનું પરિણામ આવ્યું તે બાદ તેણે
પીડીએફમાં છેડછાડ કરીને નામ ઉમેરવા માટે યુ-ટયુબના અનેક વિડીયો જોયા હતા. જેની મદદથી
લેપટોપ અને મોબાઇલમાં અનેક એપ્લીકેશનની મદદથી ફાઇનલ યાદીમાં વિશાલ રાઠવાનું નામ કાઢીને
પોતાનું નામ ઉમેર્યું હતું અને સાથેસાથે તેણે કોલ લેટર તૈયાર કર્યો હતો. જેમાં તેનો
ફોટો, નામ, સરનામા સહીતની વિગતો
મુકી હતી. આમ, પ્રથમ નજરે
જ ઓરીજીનલ કોલ લેટર જણાય આવે તેવો લેટર તૈયાર કર્યો હતો. આ માટે તેણે તેના એક મિત્રની
મદદ લીધી હોવાનું પણ તેણે પુછપરછમાં જણાવ્યું હતું. મયુર તડવીના હજુ બે દિવસના રિમાન્ડ
બાકી છે ત્યારે બીજી અનેક વિગતો બહાર આવી શકે તેવી શક્યતા છે.