વડોદરા તા.15 વડોદરા નજીક દુમાડ ચોકડી પાસે વારંવાર સર્જાતા ટ્રાફિકજામની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે નવા બ્રિજ બનાવવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટ માટે શુક્રવારે ખાતમુહૂર્ત થવાનું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દુમાડ ચોકડી પાસે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટિ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવતા હતાં. અગાઉ તૈયાર કરેલી ડિઝાઇનમાં ફેરફાર કરાયા બાદ આખરે ફાઇનલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને તે મુજબ શુક્રવારે દુમાડ ચોકડી પાસે ખાતમુહૂર્ત કેન્દ્રના પરિવહનમંત્રી નીતિન ગડકરીના હસ્તે થયા બાદ કામગીરીનો પ્રારંભ થશે.
આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે બે ફ્લાયઓવર બનાવવાનું પ્લાનિંગ છે અને તે માટેનો ખર્ચ આશરે રૃા.૨૭ કરોડની આસપાસ થશે. શુક્રવારથી કામ શરૃ થયા બાદ દોઢ વર્ષમાં કામ પૂર્ણ થઇ જશે અને ત્યારબાદ દુમાડ ચોકડી પાસે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે તેનો અંત આવી જશે.
અમદાવાદ તરફથી ભરૃચ અથવા સુરત તરફ જતા ટ્રાફિક માટે હવે નવો બ્રિજ બનશે જે નેશનલ હાઇવે સાથેના બ્રિજ સાથે જોડાશે એટલે આ ટ્રાફિકને સર્વિસરોડ પરથી પસાર થઇને ટ્રાફિકજામમાં ફસાવવું પડતું હતું તેનું નિરાકરણ આવશે. આ ઉપરાંત સુરત તરફથી જે વાહનને અમદાવાદ જવા એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરવો છે તે વાહનને સર્વિસરોડના બદલે નવો બ્રિજ બંધાશે જે એક્સપ્રેસ હાઇવે તરફ જતા એનઇ-૧ સાથે જોડાશે અને સુરત તરફથી વડોદરામાં પ્રવેશવું હોય તો સર્વિસરોડ બનાવાશે.
વડોદરાથી સાવલી તરફ જવા માટે હાલમાં બ્રિજની નીચેથી વાહનવ્યવહાર ચાલું છે તે યથાવત રહેશે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે દુમાડ ચોકડી પાસે નવા બ્રિજના કારણે ઘણા વર્ષોની ટ્રાફિક સમસ્યાનો અંત આવી જશે. વડોદરાના સાંસદે પણ દુમાડ ચોકડી પાસે સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કેન્દ્રમાં અહીં બ્રિજ બનાવવા માટે રજૂઆતો કરી હતી.


