છત્રાલ પાસે કારમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
એલસીબીએ ૧.૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને અન્ય બે સાગરરિતોની શોધખોળ શરૃ કરી ઃ ચોરીના અન્ય ગુના ઉકેલવાની પણ શક્યતા
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર તકનો લાભ લઈને વાહનોમાંથી ચોરી કરતી ડફેર ગેંગના એક સાગરિતને બિલેશ્વરપુરા પાટિયા પાસેથી ગાંધીનગર એલસીબીની ટીમે ઝડપી લીધો હતો અને તેની પાસેથી ૧.૨૨ લાખ રૃપિયાના મુદ્દામાલ કબજે કરીને છત્રાલ પાસે કારમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તેના અન્ય બે સાગરીતોની પણ શોધખોળ શરૃ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓ
વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરીને ચોરી કરનાર આવા
ગુનેગારોને શોધવા માટે મથામણ કરવામાં આવી રહી છે. ગાંધીનગર એલસીબીની ટીમ
પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, બિલેશ્વરપુરા પાટિયા પાસે એક શખ્સ કારમાં શંકાસ્પદ હાલતમાં
છે જે બાતમીના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી ૧૨ હજાર રૃપિયા
રોકડા અને બે મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા હતા. હનીફ બાબુભાઈ સિંધી રહે મંડાલી
તાલુકો લાંઘણજ જીલ્લો મહેસાણાને પકડી પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી કે
તેણે તથા પોતાના કુટુંબી સાળા ગગુર કાસમભાઇ સિંધી રહે, લસ્કરી કુવા,મહેસાણા તથા
પોતાના કુંટુંબી મામાનો દીકરો ઇબ્રાઇમ મુબારકભાઇ સિંધી રહે, લસ્કરી કુવા, મહેસાણા વાળાઓ
સાથે કલોલ છત્રાલ હાઇવે રોડ ઉપર એક ઇકો ગાડી રોડ ઉપર ઉભેલી હતી અને તેમાં બધા
માણસો સુઇ ગયેલા તે ઇકો ગાડીમાંથી સોનાના દાગીના તથા રોકડ તથા મોબાઇલ ફોનની ચોરી
કરી હતી. પોલીસે તેની પાસેથી કાર અને રોકડ મળી ૧.૨૨ લાખ રૃપિયાનો મુદ્દા માલ કબજે
કર્યો હતો અને તેના અન્ય બે સાગરીતોની શોધખોળ શરૃ કરી છે. આ આરોપીની પૂછપરછ
દરમિયાન ચોરીના અન્ય ગુનાઓ ઉકેલવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.


