Get The App

જેટ એરવેઝ બંધ થતાં ન્યુઝીલેન્ડ ગયેલા ૧૭ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોને પરત આવવામાં મુશ્કેલી

અન્ય એરલાઇન્સમાં બુકિંગ કરવા માટે એક ટિકિટ દીઠ રૃ. એક લાખનો ખર્ચ આવતો હોવાથી વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે મદદ માગી

Updated: Apr 18th, 2019

GS TEAM

Google News
Google News
જેટ એરવેઝ બંધ થતાં ન્યુઝીલેન્ડ ગયેલા ૧૭ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોને પરત આવવામાં મુશ્કેલી 1 - image

વડોદરા,તા.૧૮ એપ્રિલ ૨૦૧૯, ગુરૃવાર

જેટ એરવેઝની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળીને તમામ ફ્લાઇટ હવે સદંતર બંધ થઇ ગઇ છે. તેની અસર વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયેલા વડોદરાના એક સહિત ૧૭ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો મળીને ૧૯ જણ જેટ એરવેઝના કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે કેમ કે તેમની ન્યુઝીલેન્ડથી રિટર્ન ફ્લાઇટ જેટ એરવેઝની હતી અને હવે જેટ એરવેઝની ફ્લાઇટ બંધ થઇ ગઇ છે એટલે ભારત પરત આવવા માટે અન્ય એરલાઇન્સમાં બુકિંગ કરાવવાની સ્થિતિ આવી છે પણ મુશ્કેલી એ છે કે રિટર્ન ફ્લાઇટના ભાડાનો ખર્ચ બજેટ બહાર જતો રહેતો હોવાથી હવે આ વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે મદદ માગી છે.

જેટ એરવેઝ બંધ થતાં ન્યુઝીલેન્ડ ગયેલા ૧૭ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોને પરત આવવામાં મુશ્કેલી 2 - imageવડોદરાના વાઘોડિયા રોડ પર રહેતો રોનક સોલંકી મહારાષ્ટ્રના પંચગીની ખાતે આવેલી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. રોનક સ્કૂલના અન્ય ૧૬ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સાથે તા.૭મી એપ્રિલે ન્યુઝિલેન્ડ ખાતે સ્ટડી ટૂર માટે ગયો છે. સ્ટડી ટૂર પુરી કરીને આ ગૃપ તા.૨૨ એપ્રિલે જેટ એરવેઝની ફ્લાઇટમાં વાયા સિંગાપુર થઇને મુંબઇ આવવાનું હતું પરંતુ તા.૧૬ એપ્રિલે મંગળવારે જેટ એરવેઝે તેમની તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ બંધ કરી હોવાના સમાચાર મળતા આ ગૃપે તેના બુકિંગ એજન્ટ અને જેટ એરવેઝના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો પરંતુ તે લોકોએ હાથ અધ્ધર કરી દીધા છે.

હવે આ લોકો પાસે અન્ય એરલાઇન્સમાં બુકિંગ સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી એટલે તપાસ કરતા જાણવા મળ્યુ કે અન્ય એરલાઇન્સમાં પરત આવવા એક ટિકિટનું ભાડુ રૃ.૭૫,૦૦૦થી વધુ છે. ઉપરાંત તેમને ૨૨ એપ્રિલને બદલે ૨૩ એપ્રિલની ફ્લાઇટ મળી રહી છે એટલે ન્યુઝીલેન્ડમાં વધુ એક દિવસ રોકાવવાનો ખર્ચ પ્રતિ વ્યક્તિ રૃ.૧૫ થી ૨૦ હજાર વધી રહ્યો છે કુલ મળીને એક વ્યક્તિ દીઠ રૃ. એક લાખનો વધુ ખર્ચ આવી રહ્યો છે એટલે કે આખા ગૃપને મળીને રૃ.૧૯ લાખનો વધારાનો ફટકો પડશે. આ રકમ ખુબ મોટી હોવાથી તેઓએ ભારત સરકાર પાસે મદદની માગ કરતા વિડિયો પણ જાહેર કર્યા છે.

Tags :