બી એમ ડબલ્યુ કારના નશેબાજ ચાલકે દંપતીને અડફેટે લેતા પત્નીનું મોત
નશેબાજ કાર ચાલક સામે પ્રોહિબીશનનો અલગ ગુનો દાખલ કર્યો
વડોદરા,રાતે દારૃનો નશો કરીને બીએમડબલ્યુ કારમાં ચાર મિત્રો ફરવા માટે નીકળ્યા હતા.મોડી રાતે મુજમહુડા અકોટા રોડ પર નશેબાજ કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા હતા.બંનેને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.સારવાર દરમિયાન પત્નીનું મોત થયું હતું.જે.પી.રોડ પોલીસે નશેબાજ કાર ચાલકની ધરપકડ કરી બી.એમ.ડબલ્યુ.કાર કબજે લીધી છે.
રવિવારની રાતે શહેરના મુજમહુડા - અકોટા રોડ પર હીટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે.અકોટા સિધરા એપાર્ટમેન્ટમાં રહેતા અયાજઅહેમદ અબ્દુલરજાક શેખ જૂના પાદરા રોડ પર આવેલી બ્લૂ ડાર્ટ કુરિયર કંપનીમાં નોકરી કરે છે.ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે અયાજઅહેમદ તેમના પત્ની શાહિનબેન સાથે બાઇક લઇને તાંદલજા રહેતા સાઢુભાઇના ઘરે જવા માટે નીકળ્યા હતા.આર.સી.પટેલ એસ્ટેટ પાસે પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવીને તેઓ મુજમહુડા અકોટા રોડ પરથી પસાર થતા હતા.તે દરમિયાન વાદળી કલરની બી.એમ.ડબલ્યુ કારના ચાલકે બાઇકને ટક્કર મારતા દંપતી રોડ પર ફંગોળાયું હતું.અયાજઅહેમદને માથાની ડાબી બાજુ તેમજ જમણી આંખની નીચે અને બંને પગ પર ઇજા થઇ હતી.જ્યારે તેમના પત્નીને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા નાક અને મોંઢામાંથી લોહી નીકળતું હતું.ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જે પૈકી પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.કાર ચાલક સ્નેહલ જીજ્ઞોશભાઇ પટેલ (રહે.અંબિકા નિકેતન સોસાયટી,માણેજા ક્રોસિંગ પાસે,મકરપુરા) એ દારૃનો નશો કર્યો હોવાની વિગતો જાણવા મળતા પોલીસે તેની સામે અકસ્માત અને દારૃ પીને કાર ચલાવવાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.સ્નેહલ અને તેના ત્રણ મિત્રો દારૃની પાર્ટી કરીને રાતે ઘરે પરત ફરતા હતા.તે સમયે અકસ્માત થયો હતો.
કાર ચાલક અને તેના ત્રણેય મિત્રોએ દારૃનો નશો કર્યો હતો
અકસ્માતના પગલે પોલીસ સ્થળ પર આવતા નશેબાજો પકડાયા
વડોદરા,મુજમહુડા - અકોટા રોડ પર રાતે બી એમ ડબલ્યુ કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક રાહદરી મહિલાએ પોલીસને જાણ કરી હતી.જેના પગલે પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી.પોલીસે કારમાં બેસેલા ચાર યુવકોની પૂછપરછ કરતા ચારેય દારૃના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.જેથી,પોલીસે (૧) સ્નેહલ જીજ્ઞોશભાઇ પટેલ (રહે.અંબિકા નિકેતન સોસાયટી,માણેજા) (૨) વિશાલ ધોંડીરામ મોરે (રહે.દર્શનમ એવન્યુ, પરશુરામ ભઠ્ઠાની બાજુમાં,સયાજીગંજ) (૩) સદ્દામ મોહંમદઅલી શેખ (રહે.રિઝવાન ફ્લેટ,તાંદલજા) તથા (૪) મકસુદ મીરસાહબ સિંધા (રહે.સોહિલ પાર્ક,તાંદલજા)ની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પાસિંગ માટે આવેલી કાર લઇને ફરવા નીકળ્યો અને અકસ્માત કર્યો
વડોદરા,પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દારૃનો નશો કરીને અકસ્માત કરનાર આરોપી સ્નેહલ કારવેલ નામના ફોરવ્હીલ કારના શો રૃમમાં સિનિયર સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે.બે દિવસ પહેલા જ તેની બદલી છાણી ખાતેથી અટલાદરાના શો રૃમમાં થઇ હતી.તેના અન્ય મિત્રો પણ કારના શો રૃમમાં નોકરી કરે છે.જે કાર લઇને સ્નેહલ મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો.તે કારના માલિક જગદીશભાઇ માળી મહારાષ્ટ્રના વતની છે.અને કાર પાસિંગ માટે સ્નેહલ પાસે અઠવાડિયા પહેલા આવી હતી.
કયા સ્થળે દારૃની મહેફિલ કરી ,તે હજી પોલીસને ખબર નથી
વડોદરા,સ્નેહલ અને તેના મિત્રો પકડાયા ત્યારે દારૃના નશામાં હતા.પોલીસને કારમાંથી દારૃની કોઇ બોટલ મળી આવી નથી.જેથી,આરોપીઓ કોઇ સ્થળે દારૃની મહેફિલ કરીને આવ્યા હોવાની શંકા છે.કે પછી કારમાં ફરતા ફરતા જ દારૃ પીધો હોવો જોઇએ.પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.આરોપીઓ ક્યાં દારૃની મહેફિલમાં જઇને આવ્યા હતા ?તે અંગે હજી પોલીસને કોઇ માહિતી નથી.