LRD જવાન દારૂના નશામાં છાકટો બન્યો, એસટી બસના કંડક્ટરને લાફા ઝીંકી દીધા
વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
વડોદરા શહેર પોલીસમાં વારંવાર વિવાદમાં આવતા પોલીસ જવાનો સામે પોલીસ કમિશનર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં હજી આવા બનાવો સતત બનતા રહે છે.
વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતે ગઈ મધરાતે બનેલા આવા જ એક બનાવમાં દારૂના નશામાં છાકટા બનેલા એલઆરડી જવાનની દાદાગીરીને કારણે એસટી કર્મચારીઓમાં રોષની લાગણી આપી હતી. જોકે સયાજીગંજના પીઆઇએ તાત્કાલિક કાર્યવાહી કરી સ્થિતિ સંભાળી લીધી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પાટણના રેવચી ગામે રહેતા અને એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા વિષ્ણુભાઈ દેસાઈ ગઈકાલે રાત્રે નવસારી પાટણની બસમાં ફરજ દરમિયાન વડોદરા આવ્યા હતા.
વડોદરા બસ ડેપોની બહાર ગેટ પાસે એલઆરડી જવાન ઉભો હોવાથી વિષ્ણુભાઈએ તેને ખસી જવા માટે કહ્યું હતું. જે બાબતે બોલાચાલી થયા બાદ બસ પ્લેટફોર્મ નંબર ચાર ઉપર જઈ રોકાઈ હતી.
આ દરમિયાન એલઆરડી જવાન ધસી આવ્યો હતો અને તેણે ગાળો ભાંડી તું મને ઓળખે છે હું પોલીસ વાળો છું તેમ કહી ઝપાઝપી કરી ત્રણ લાફા ઝીંકીકી દીધા હતા. જેથી અન્ય લોકોએ વચ્ચે પડી કંડકટરને બચાવ્યા હતા.
સયાજીગંજ પોલીસે બનાવ અંગે એલઆરડી રાજેસદાન મોરારદાન ગઢવી (વડોદરા સેન્ટ્રલ જેલ ક્વાર્ટર્સ,મૂળ રહે.ભાણવી ગામ,રાધનપુર) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.