કલોલ હાઇવે પર અકસ્માતની વણથંભી વણઝાર
વહેલી સવારે પાલનપુર તરફથી આવી રહેલી ટ્રકને આઇસરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો
કલોલ : કલોલના ગુરુકુળ હાઇવે પર બે આઇસર ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું મૃત્યુ થયું છે. શુક્રવારે વહેલી સવારે પાલનપુરથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકને ગુરુકુળ કટ પાસે અકસ્માત થયો હતો. જેથી આઇસર ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રકના ડ્રાઇવરને ગંભીર ઈજા થતાં કલોલની હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. કલોલના તબીબે ગાંધીનગર રિફર કરતા ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે ટ્રક ડ્રાઇવરને મરણ પામેલ જાહેર કર્યા હતા.
કલોલ હાઈવે વાહન ચાલકો માટે અત્યંત જોખમી બની ગયો છે. હાઇવે
પર અવારનવાર ગમખ્વાર અકસ્માત થતા રહેતા હોય છે. વાહનોની સરખામણીએ અમદાવાદ-મહેસાણા
હાઇવે સાંકડો પડી રહ્યો છે. કલોલના સઈજથી છત્રાલ સુધીનો હાઈવે અકસ્માત માટે
કુખ્યાત થઇ ગયો છે. મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામાં રહેતા ભારતસિંહ
અર્જુનસિંહ પુવાર પાલનપુરથી અમદાવાદ જવા નીકળ્યા હતા.શુક્રવારે વહેલી સવારે પાંચ
વાગ્યા આસપાસ ટ્રક કલોલ હાઇવે પર ગુરુકુળ કટ પાસેથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન
અન્ય એક આઈશર ટ્રક ચાલકે તેને ટક્કર મારતા પલટી ખાઈ ગઈ હતી. જેને પગલે અંદર રહેલ
ભારતસિંહને ગંભીર ઈજા થઇ હતી. સારવાર માટે કલોલની હોસ્પિટલમાં લઇ જવામાં આવતા
ડોકટરે ગાંધીનગર સિવિલમાં ખસેડવાનું જણાવ્યું હતું. ગાંધીનગર સિવિલ ખાતે તબીબે
ઈજાગ્રસ્ત ડ્રાઈવરને મૃત જાહેર કર્યા હતા. જેને પગલે મૃતકના પત્નીએ બેદરકારી
પૂર્વક અને ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત કરી પતિનું મોત નીપજાવી નાસી છૂટવા
બદલ અજાણ્યા આઈશર ચાલક વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુરુકુળ કટ પાસે અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. હાઈવે પર જ ટ્રક પલટી ખાઈ જતા ટ્રાફિક અવરોધાયો હતો. સવસ રોડ બંધ થઇ જતા અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. કલોલના ગુરુકુળ હાઈવે પર વારંવાર આ પ્રકારના અકસ્માત સર્જાતા હોય છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા હાઈવે પહોળો કરી અકસ્માત રોકવા પગલા ભરવામાં આવે તેવી માંગ ઊભી થઇ છે.


