DRDOનું સાયબર સિક્યુરિટી રીસર્ચ સેન્ટર ગુજરાત યુનિ.માં શરૂ થશે
યુનિ.અને કેન્દ્ર સરકારના ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન વચ્ચે એમઓયુ
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં
ભારત સરકારના ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)નું સાયબર સિક્યુરિટી
રીસર્ચ સેન્ટર શરૃ કરવામા આવશે.આ માટે ડીઆરડીઓ અને ગુજરાત યુનિ. વચ્ચે દિલ્હી ખાતે
ડિફેન્સ મિનિસ્ટરની હાજરીમાં એમઓયુ કરવામા આવ્યા હતા.
ગુજરાત યુનિ.ખાતે
શરૃ થનારા આ સેન્ટર ઓફ એક્સેલન્સને એડવાન્સ ટેકનોલોજી સેન્ટર- સરદાર વલ્લભભાઈ પટેલ
સેન્ટર ફોર સાયબર સિક્યુરિટી રિસર્ચ નામ આપવામા આવ્યુ છે.આ સેન્ટર માટે ભારત સરકારના
ડીઆરડીઓ અને ગુજરાત યુનિ.વચ્ચે એમઓયુ કરવામા આવ્યા છે.આ સેન્ટર દ્વારા ૧૦૦ કરોડનું
ઈન્વેસ્ટમેન્ટ મળવાનો અંદાજ છે.દિલ્હી ખાતે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની
હાજરીમાં ડીઆરડીઓના ચેરમેન અને યુનિ.ના કુલપતિ વચ્ચે એમઓયુ થયા હતા.ગત વર્ષે કોરોનાની શરૃઆત પહેલા જાન્યુઆરી ૨૦૨૦માં ડીઆરડીઓના ચેરમેન જી.સતિષ રેડ્ડી ગુજરાત યુનિ.ના
કોન્વોકેશનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેઓએ ગુજરાત યુનિ.ખાતે ડિફેન્સ
રીસર્ચ સેન્ટર શરૃ કરવાની જાહેરાત પણ કરી હતી અને ત્યારબાદ ડીઆરડીઓની ટીમે યુનિ.ની
મુલાકાત લઈને ઈન્ફ્રાસ્ટ્રકચર અને અન્ય સુવિધાઓની
તપાસ કરી હતી.ત્યારબાદ ડીઆરડીઓ અને યુનિ.વચ્ચે સેન્ટર માટે એમઓયુ કરવામા આવ્યા
છે.
ગુજરાત સરકારે
પણ બજેટમાં ગુજરાત યુનિ.ખાતે ડિફેન્સ સ્ટડીઝ માટે સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડી સેન્ટર શરૃ
કરવા ૭ કરોડની ફાળવણી કરી છે.જો કે હાલ યુનિ.દ્વારા આ ડિફેન્સ સ્ટડી સેન્ટર અને સાયબર
સિક્યુરિટી સેન્ટરની આગળની કામગીરી બાબતે કોઈ સ્પષ્ટતા કરવામા આવી નથી અને ડિફેન્સ
સ્ટડી સેન્ટર ક્યારે શરૃ થશે તેની કોઈ સ્પષ્ટતા કરવામા આવી નથી.