Get The App

અમદાવાદમાં દિવસે ગરમી રાત્રે ઠંડીના ચમકારાથી ડબલ સિઝન

- ગાંધીનગરમાં સૌથી ઓછું 17 ડિગ્રી તાપમાન

- અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.2, લઘુતમ તાપમાન 18.3 : આગામી 3 દિવસમાં ઠંડી વધશે

Updated: Oct 30th, 2020

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં દિવસે ગરમી રાત્રે ઠંડીના ચમકારાથી ડબલ સિઝન 1 - image

અમદાવાદ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર

અમદાવાદમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીના ચમકારાથી ડબલ સિઝન અનુભવાઇ રહી છે. આજે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 35.2 જ્યારે રાત્રિનું લઘુતમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું. 

હવામાન વિભાગના મતે અમદાવાદમાંં આગામી દિવસોમાં ઠંડીના ચમકારામાં વધારો થશે અને સરેરાશ લઘુતમ તાપામન 16 ડિગ્રીથી ઘટે તેવી પૂરી સંભાવના છે. બપોરે તાપ અને રાત્ર ઠંડીના આંશિક ચમકારાને લીધે ડબલ સિઝન અનુભવાઇ રહી છે. ડબલ સિઝનને લીધે શરદી-ખાંસી-વાયરલ ફિવરના કેસમાં પણ વધારો થયો છે. 

ગુજરાતમાં ઉત્તર પૂર્વ દિશાનો પવન છે. નવેમ્બરના બીજા સપ્તાહથી સમગ્ર રાજ્યમાં ઠંડીનું પ્રભુત્વ વધી જશે. ગાંધીનગરમાં 17 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. 

ગુજરાતમાંથી 8 શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેમાં 18 ડિગ્રી સાથે ડીસા, 17 ડિગ્રી સાથે ગાંધીનગર, 19.6 ડિગ્રી સાથે વડોદરા, 18.4 ડિગ્રી રાજકોટ, 18.7 ડિગ્રી સાથે મહુવા, 18.4 ડિગ્રી સાથે કેશોદ, 18 ડિગ્રી સાથે નલિયાનો સમાવેશ થાય છે. આ સિવાય સુરતમાં 21, અમરેલીમાં 20.2, ભાવનગરમાં 20.4, ભૂજમાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.