Get The App

તા.15 એપ્રિલ પહેલાં સહી થયેલ દસ્તાવેજ તા.14 ઓગસ્ટ સુધી નોંધણી નહિ કરાવે તો ડબલ જંત્રી

Updated: Aug 7th, 2023

GS TEAM


Google News
Google News
તા.15 એપ્રિલ પહેલાં સહી થયેલ દસ્તાવેજ તા.14 ઓગસ્ટ સુધી નોંધણી નહિ કરાવે તો ડબલ જંત્રી 1 - image


- ચાર માસની સમય મર્યાદા તા.14 ઓગસ્ટે પૂર્ણ થશે

વડોદરા,તા.7 ઓગષ્ટ 2023,સોમવાર

રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32-ક ના અમલ માટે રાજયની જમીનો, સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) 2011ના ભાવોમાં તા.15.04.2023 થી વધારો અમલમાં આવ્યો છે. જેથી તા.15.04.2023 કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.

 તા.15.04.2023 કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા.15.04.2023 પહેલાં કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં તા.15.04.2023 પહેલાં (તા.14.04.2023 સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તેવા દસ્તાવેજમાં તા.15.04.2023થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં.

પરંતુ તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજારકીંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.

તા.15.04.2023 પહેલાં સહી થયેલ અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ લેખ તા.15.04.2023થી ચાર માસ એટલે કે તા.14.08.2023 સુધી દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવશે તો જુની જંત્રીનો લાભ આપવામાં આવશે. જે ચાર માસની સમય મર્યાદા પૂર્ણ થવામાં થોડાક જ દિવસ બાકી છે, તો જેના દસ્તાવેજમાં તા.15.04.2023 પહેલાં મત્તુ થયેલ હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ હોય તેવા લેખો નોંધણી અધિનિયમ મુજબ ચાર માસની સમયમર્યાદામાં તા.14.08.2023 સુધી નોંધણી કરાવી લેવી જરૂરી છે.

જે પક્ષકારોને કોઈ પણ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોઈ અથવા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો ન હોય તો, સ્ટેમ્પ ખરીદ્યા તારીખથી છ માસની સમય મર્યાદામાં રીફંડ માટે સક્ષમ અધિકારીને અરજી કરવાની રહેશે.

Tags :