આશ્કા હોસ્પિટલમાં ડોક્ટરની ઘોરબેદરકારીથી પથરીના દર્દીના મોતના આક્ષેપ સાથે હોબાળો
અગાઉ વિવાદમાં સપડાયેલી અને ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલી
હોસ્પિટલ સંચાલકો સામે ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી
મૃતદેહ સ્વિકારવાનો દર્દીના સગાએ ઇન્કાર કર્યો
ગાંધીનગર : મોટાભાગની ખાનગી હોસ્પિટલો આરોગ્યની સેવાને ધીકતો ધંધો બનવીને માનવતા પણ ભૂલી ગઇ છે દર્દીની સારવાર જ નહીં પરંતુ મડદા ઉપર પણ રોટલા રળી લેવામાં ઘણી હોસ્પિટલની સ્પેશ્યાલીટી છે આવી સ્થિતિમાં ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલી અને અગાઉ પણ ઘણા વિવાદમાં રહેતી આશ્કા હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે પથરીના યુવા દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ દર્દીના સગા દ્વારા કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં, દર્દીના સગાએ મૃતદેહ નહીં સ્વિકારીને હોસ્પિટલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે મંગળવારે રાત્રે અહીં હોબાળો પણ મચાવ્યો હતો.
ડોક્ટરોને ભગવાન જ્યારે હોસ્પિટલોને મંદિર માનવામાં આવે છે.
કોરોનાકાળમાં જ્યારે મંદિરો બંધ હતા ત્યારે હોસ્પિટલો ખુલ્લા હતા અને દર્દીઓને
ત્યાં દાખલ કરીને સારવાર આપવામાં આવતી હતી પરંતુ આ કોરોનાના કપરાકાળમાં પણ
ગાંધીનગર સહિત સમગ્ર દેશની ઘણી ખાનગી હોસ્પિટલોએ તકનો લાભ લઇને રૃપિયા બનાવી દીધા
છે.અક્ષયકુમારના ગબ્બર ઇઝ બેક ફિલ્મમાં જે રીતે ઓપરેશન થિયેટરમાં મડદાને રાખીને
ડોક્ટર સહિત હોસ્પિટલનો સ્ટાફ ઢોંગ કરીને દર્દીના સગા પાસેથી લાખ્ખો રૃપિયા પડાવે
છે તેવી જ રીતે કોરોનાકાળમાં પણ ઘણી હોસ્પિટલોએ વેન્ટિલેટરના નામે દર્દીના સગાને
ખંખેરિયા છે.ત્યારે કોરોના વખતે પણ લૂંટ ચલાવવાના વિવાદમાં રહેલી ગાંધીનગર નજીક
સરગાસણમાં આવેલી આસ્કા હોસ્પિટલમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો છે.આ અંગે અહીં
દાખલ દર્દીના સગાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કુડાસણમાં રહેતા ૩૯ વર્ષિય સુરેન્દ્રસિંહ ચૌહાણને પથરીમાં
દુઃખાવાને કારણે તેઓ આસ્કા હોસ્પિટલમાં મંગળવારે સવારે આઠ વાગ્યની આસપાસ બતાવવામાં
આવ્યા હતા અને તેમને દાખલ કરીને બપોરે ઓપરેશન કરવાનું કહ્યું હતું. બપોરે એક વાગે
ઓપરેશનમાં લઇ ગયા બાદ બહાર લાવવામાં આવ્યા ત્યારે તેમની સાથે સગાને વાતચિત કરવા
દેવામાં આળી ન હતી અને સગાએ દર્દીની હાલત અંગે પુછપરછ કરતા દર્દીને તાત્કાલિક
આઇસીયુમાં લઇ જવાનું નાટક હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો કે,
બાજુની પથારીવાળા દર્દીએ સગાને જણાવ્યું હતું કે, તેમની હાલત સારી
નથી ત્યારે સગાએ દર્દીની તેમના બેડ પાસે જઇને તપાસ કરતા તેઓ મૃત્યું પામ્યા
હોવાનું જાણવા મળ્યું હતું. તેમ છતા હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દી મૃત્યુ પામ્યા છે
તે અંગે કોઇ જ જાણ કરવામાં આવી ન હતી આખરે સાંજે સાત વાગ્યા પછી દર્દી મૃત્યું
પામ્યા છે તેવી જાહેરાત હોસ્પિટલે કરી હતી અને દર્દીનું ઓપરેશન કરનાર ડોક્ટર
ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પથરીના ઓપરેશનમાં દર્દીના મોતની બનાવની જાણ દર્દીના
સગાને થતા મોટી સંખ્યામાં સગાવ્હાલા હોસ્પિટલે દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો
હતો.જેને પગલે પોલીસને પણ બોલાવવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં
આવી નથી. ત્યારે ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપને
સાથે સગાવ્હાલાએ મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર પણ કર્યો છે.
દર્દીના મોત બાદ પણ અંગુઠાના નિશાન ફોર્મમાં લેવાયા : દાલ મેં કુછ કાલા હૈં...
આશ્કા હોસ્પિટલમાં ૩૯ વર્ષિય પથરીના દર્દીનું મોત નિપજ્યા
બાદ દર્દીના સગાએ અહીં હોબાળો મચાવ્યો હતો ત્યારે પથરીના ઓપરેશન બાદ દર્દીનું મોત
થતા હોસ્પિટલ તંત્ર પણ દોડતું થઇ ગયું હતું તે દરમિયાન હોસ્પિટલના સ્ટાફ દ્વારા
મૃતકના હાથના અંગુઠાના નિશાન એક પીળા રંગના ફોર્મમાં લેવામાં આવ્યા હતા. દર્દીના
સગાએ આ ફોર્મનો ફોટો પાડવા માટે કહ્યું તો તેને ફોટો પણ પાડવા દેવામાં આવ્યો ન હતો
ત્યારે અન્ય હોસ્પિટલમાં પણ તપાસ કરતા મૃતકના શરીરના કોઇ નિશાન ફોર્મમાં લેવામાં
આવતા નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હોસ્પિટલની બેદરકારી બાદ આવી
શંકાસ્પદ પ્રવૃત્તિને કારણે સગામાં વધુ રોષ ફેલાયો છે અને ન્યાય નહીં મળે ત્યાં
સુધી મૃતદેહને સ્વિકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.
મૃતદેહ અમદાવાદ સિવિલમાં પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
આશ્કા હોસ્પિટલમાં પથરીના ઓપરેશન બાદ મૃત્યુ પામેલા
યુવાદર્દીને પગલે દર્દીના સગાએ હોસ્પિટલમાં મંગળવારે રાત્રે ભારે હોબાળો મચાવ્યો
હતો અને પથરીનું ઓપરેશન કરનાર ડોક્ટર તથા હોસ્પિટલ તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી
કરવાની ઉગ્ર માંગણી કરી હતી. રાત્રે સગાએ મૃતદેહ સ્વિકાર્યો ન હતો ત્યારે આજે
સવારે પેનલ ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ
મોકલી આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે,
હોસ્પિટલ દ્વારા સગાને કોઝ ઓફ ડેથ પણ આપવામાં આવ્યું નથી ત્યારે પેનલ ડોક્ટર
દ્વારા કરવામાં આવનાર આ પોસ્ટમોર્ટમનો રીપોર્ટ દર્દીના મોતના કારણ માટે મહત્વનો
પુરાવો બની રહેશે.
લેઝરથી પથરી કાઢવાનું કહીને લેપ્રોસ્કોપી પધ્ધતીથી ઓપરેશન કરી નાંખ્યું : દર્દીના સગા
ગાંધીનગર : આશ્કા હોસ્પિટલમાં કુડાસણના ૩૯ વર્ષિય યુવાન દર્દીનું મંગળવારે બપોરે પથરીના ઓપરેશન બાદ મોત નિપજ્યું હતું ત્યારે દર્દીના સગાએ હોસ્પિટલ તથા ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કરવાની સાથે એમ પણ કહ્યું હતું કે, આ દર્દીનું લેઝર પથ્થતીથી પથરીનું ઓપરેશન કરવાનું હતું તે માટે જ હોસ્પિટલના સ્ટાફ સાથે વાત થઇ હતી પરંતુ ઓપરેશન વખતે પેટના ભાગમાં ચેકો મુકવામાં આવ્યો છે તેથી લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તે અંગે દર્દીના સગાને કોઇ જાણ પણ કરવામાં આવી નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.