ડોક્ટર ડે : સાયલેન્ડોસ્કોપથી લાળગ્રંથિનું ઓપરેશન રાજ્યમાં ફક્ત વડોદરામાં જ થાય છે
મુંબઇ અને દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં રૃ. બે લાખનો ખર્ચ થાય છે જ્યારે ગોત્રી સરકારી હોસ્પિટલમાં આ ઓપરેશન નિઃશુલ્ક થાય છે
|
વડોદરામાં કોરોનાની બીજી લહેર શાંત થઇ ગઇ છે અને મ્યુકોરમાઇકોસિસના કેસમાં પણ ઘટાડો થયો છે એટલે હોસ્પિટલોમાં અન્ય વિભાગો હવે કામ કરતા થયા છે જેમાં ગોત્રી હોસ્પિટલના ઇએનટી વિભાગમાં ડોક્ટર ડેના આગલે દિવસે એટલે કે આજે ઇએનટી સર્જન ડો.હિરેન સોની અને સહયોગીઓ દ્વારા ૨૪ વર્ષની મહિલાની લાળગ્રંથિમાંથી ૧ સે.મી.ની પથરી કાઢવાનું સફળ ઓપરેશન કર્યુ હતુ. આ મહિલા એક વર્ષથી 'સલાઇવરી ડક્ટ સ્ટોન' લાળગ્રંથિની પથરીથી પિડાતી હતી. ગોત્રી હોસ્પિટલમાં સાયલેન્ડોસ્કોપ યંત્રની મદદથી આ મહિલાનુ ઓપરેશન હાથ ધરાયુ હતુ અને અઢી કલાકમાં પથરી બહાર કાઢવામાં આવી હતી.
![]() |
મંગળવારે ગોત્રી હોસ્પિટલમાં ૨૪ વર્ષની મહિલાની લાળગ્રંથીમાંથી દૂર કરવામાં આવેલી ૧ સે.મી.ની પથરી |
ડો. હિરેન સોનીએ કહ્યું હતું કે 'સાયલેન્ડોસ્કોપની મદદથી સાંકડી થઈ ગયેલી આ ગ્રંથિની નળીઓ પહોળી કરવાનું, ગથિની નળીઓમાં સ્ટેન્ટ બેસાડવાનું અને પથરી કાઢવાનું ઓપરેશન રાજ્યમાં માત્ર અહી જ થાય છે. ગોત્રી હોસ્પિટલમાં સાયલેન્ડોસ્કોપ યંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૬૦ દર્દીઓનુ ઓપરેશન કરાયુ છે. લાળગ્રંથિની પથરીનં સાયલેન્ડોસ્કોપ દ્વારા ઓપરેશન માટે દર્દીઓએ મુંબઇ અથવા દિલ્હી જવુ પડે છે અને તેનો આશરે બે લાખથી વધુનો ખર્ચ થાય છે જ્યારે અહી તો આ ઓપરેશન નિઃશુલ્ક થાય છે.
લાળ ઓછી બને અથવા લાળગ્રંથિમાં પથરી હોય તો દર્દીને ગળામાં એ હદે પીડા થાય છે કે ખોરાક લેતા પણ ડરે છે
લાળના અભાવે કોળિયો સુકો રહે છે અને ભોજનમાં સ્વાદ આવતો નથી, ખોરાક ઘટતા દર્દી નબળો પડે છે
લાળ ઓછી બનતી હોય અથવા તો લાળગ્રંથિમાં પથરી થાય તો દર્દીને શું સમસ્યા થાય ? એ પ્રશ્નના જવાબમાં ગોત્રી હોસ્પિટલના ઇએનટી સર્જને કહ્યું હતું કે 'સામાન્ય દેખાતી આ સમસ્યા હકિકતે ગંભીર છે. જે દર્દીને ગ્રંથિમાં લાળ બનતી ના હોય અથવા તો ગ્રંથિમાં પથરી થવાથી લાળ બનતી હોય પરંતુ બહાર નીકળતી ના હોય તેવા સંજોગોમાં દર્દી જ્યારે ભોજન લે ત્યારે કોળિયો સુકો રહે છે અને ભોજનમાં સ્વાદ આવતો નથી એટલે દર્દીનો ખોરાક ધીમે ધીમે ઓછો થતો જાય છે.
પથરી થઇ હોય તેવા દર્દીને તો ખોરાક લે ત્યારે લાળગ્રંથિમાં લાળ તો ઉત્પન થાય પરંતુ પથરીના કારણે બહાર નીકળી ના શકે એટલે ગળામાં એ હદે દુખાવો થાય કે દર્દી ખોરાક લેતા પણ ડરે છે. આ પ્રકારની સમસ્યામાં દર્દીનો ખોરાક ઓછો થતાં તેની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને અન્ય બીમારીઓ લાગુ પડી શકે છે.
ચેપ લાગે, નળી સાંકડી થાય અથવા ઇજાના કારણે લાળગ્રંથિમાં પથરી થાય છે
ગોત્રી હોસ્પિટલના ઇએનટી સર્જને સાયલોન્ડોસ્કોપ પધ્ધતિ અંગે વાત કરતા કહ્યું હતું કે લાળગથિમાં જો પથરી થાય તો સાયલેન્ડોસ્કોપ ટેકનોલોજી ના હોય તો ગ્રંથિને જ કાઢી નાખવી પડે. જો કે ઇશ્વરને મનુષ્યના શરીરમાં ચાર લાળગ્રંથિ આપી છે એટલે મોટુ નુકસાન ના થાય પરંતુ સાયલેન્ડોસ્કોપ પધ્ધતિમાં દર્દીના ગળામાં લાળગ્રંથિ સુધી દુરબીન પહોંચે છે અને દુરબીન સાથે જોડાયેલા એક સુક્ષ્મયંત્ર દ્વારા પથરીને તોડીને બહાર કાઢવામાં આવે છે એટેલે લાળગ્રંથિ બચી જાય છે'
ડો.સોનીએ ઉમેર્યુ હતું કે લાળગ્રંથિમાં ચેપ લાગે, ગ્રંથિની નળી સંાકડી થઇ જાય અથવા તો ઇજાના કારણે ગ્રંથિમાં કેલ્શિયમ જમા થવા લાગે છે અને પથરીનુ નિર્માણ થાય છે.પથરી ઉપરાંત લાળગ્રંથિમાં જે લોકોને લાળ ઓછી બનતી હોય તેવા દર્દીઓને પણ સાયલેન્ડોસ્કોપ પધ્ધતિથી સારવારથી ફાયદો થાય છે.