Get The App

કોરોના ઇફેક્ટ : ડોક્ટરો હવે સ્ટેથોસ્કોપનો ઉપયોગ ટાળી રહ્યા છે

- કોરોનાને લીધે દર્દીઓને ચકાસવાની ડોક્ટરોની પદ્ધતિમાં પણ ફેરફાર આવ્યો

- કોરોના સંક્રમણના જોખમને લીધે સ્ટેથોસ્કોપ ઉપરાંત બ્લડપ્રેશર મશિનનો પણ વધુ જરૃર જણાય ત્યાં જ ઉપયોગ

Updated: Jul 13th, 2020

GS TEAM

Google News
Google News

અમદાવાદ, સોમંવાર

ડોક્ટરનું નામ પડે એ સાથે જ સફેદ વસ્ત્રોમાં સજ્જ એવી ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવેલી વ્યક્તિની તસ્વીર દિમાગમાં ઉપસી આવે તે સ્વાભાવિક છે. પરંતુ સામાન્ય રીતે ઉપસી આવતી ડોક્ટરની આ તસ્વીરમાં હાલ પૂરતો ફેરફાર કરવો પડે તેવી સ્થિતિ છે. વાત એમ છે કે, કોરોના વાયરસને પગલે મોટાભાગના ડોક્ટરો સ્ટેથોસ્કોપનો ઉપયોગ જ કરવાનું ટાળી રહ્યા છે. અમદાવાદના ડોક્ટરો ખૂબ જ જરૃરી જણાય તે જ દર્દીમાં સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે.

કોરોના વાયરસને લીધે ડોક્ટરોની દર્દીને ચકાસવાની પદ્ધતિમાં ઢબમાં ઘણું જ મોટું પરિવર્તન આવ્યું છે. મોટાભાગના ડોક્ટરો હવે ઓપીડી દરમિયાન પીપીઇ કિટ પહેરી રાખે છે, ૬ ફિટના અંતરથી જ દર્દીઓને ચકાસે છે અને સ્ટોથોસ્કોપનો ઉપયોગ ટાળી રહ્યા છે. મોટાભાગના ડોક્ટરોના મતે સ્ટેથોસ્કોપનો ઉપયોગ જરૃરી હોય તો જ કરવો તે વર્તમના સમયનો તકાજો છે. આ અંગે એક જનરલ ફિઝિશિયને જણાવ્યું કે, 'મારા એક ડોક્ટર મિત્રને કોરોના સંક્રમણ થયું હતું અને ત્યારથી જ મેં સ્ટેથોસ્કોપનો ઉપયોગ જ ઓછો કરી નાખ્યો છે. સ્ટેથોસ્કોપથી કોરોના સંક્રમણ થઇ શકવાનું જોખમ રહેલું હોય તેવી શક્યતા  નકારી શકાય નહીં. જેના કારણે અનેક ડોક્ટરો સ્ટેથોસ્કોપનો ઉપયોગ જરૃરી જણાય ત્યાં જ કરી રહ્યા છે. કફ-શ્વાસ લેવાની સમસ્યા સાથેનો દર્દી અમારા ક્લિનિકમાં આવે તો સૌપ્રથમ હું તેની કેસ હિસ્ટ્રીનો અભ્યાસ કરી લઉં છું. ખૂબ જ જરૃરી જણાય તો તે દર્દીનો એક્સ રે કઢાવવા માટે કહેવામાં આવે છે. '

અન્ય એક ડોક્ટરે જણાવ્યું કે, 'ક્લિનિકમાં સ્ટેથોસ્કોપ અમારા બેટરહાફ સમાન હોય છે અને તેના વિના દર્દીની ચકાસણી અમારા માટે મુશ્કેલ થઇ જાય છે. શરૃઆતમાં મેં પણ સ્ટેથોસ્કોપ વિના જ દર્દીની ચકાસણીનો પ્રયાસ કરી જોયો હતો. પરંતુ હવે દર્દીને ઉંધો બેસાડીને સ્ટેથોસ્કોપ દ્વારા તેની ચકાસણી શરૃ કરેલી છે. સ્ટોથોસ્કોપનો એકવાર ઉપયોગ થઇ ગયા બાદ તેને પૂરી રીતે સેનિટાઇઝ કરવામાં આવે છે. બ્લડ પ્રેશર માપવાના મશિનના ઉપયોગની પદ્ધતિ પણ બદલાઇ ગઇ છે. સૌપ્રથમ દર્દીના હાથે ડિસ્પોઝેબલ કાગળ બાંધવામાં આવે છે અને પછી તેનું બ્લડ પ્રેશર માપવાનું શરૃ કરવામાં આવે છે. બ્લડ પ્રેશરના મશિનને પણ એકવાર ઉપયોગ બાદ પૂરી રીતે સેનિટાઇઝ કરવામાં આવે છે. સ્ટેથોસ્કોપ અને બ્લડ પ્રેશર મશિનના ઉપયોગ વિના દર્દીની બિમારી વિશે જાણવું ઘણા કિસ્સાઓમાં અમારા માટે મુશ્કેલ થઇ જાય છે. '

પ્રવર્તમાન સ્થિતિને પગલે અનેક ક્લિનિકમાં આવતા પ્રત્યેક દર્દીનું સૌપ્રથમ તાપમાન ચકાસવામાં આવે છે. જેમાં દર્દીને તાવ હોય તો તેને અન્ય દર્દીઓથી અલગ જ બેસાડવામાં આવે છે. આ ઉપરાંત પ્રત્યેક દર્દીઓને હવે એપોઇન્ટમેન્ટ સાથે જ ક્લિનિકમાં બોલાવવામાં આવે છે. અનેક ક્લિનિકોમાં હવે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ શરૃ કરાઇ છે.

 

દર્દીઓને ચકાસવાની ડોક્ટરોની પદ્ધતિમાં હવે શું પરિવર્તન આવ્યું?

: મોટાભાગના ક્લિનિકમાં હવે દર્દીઓ માટે એપોઇન્ટમેન્ટ સાથે આવવું ફરજીયાત.

: ક્લિનિકમાં આવતા દર્દીનું સૌપ્રથમ તાપમાન ચકાસવામાં આવે છે. તાવ-ખાંસીના લક્ષણો હોય તો તેને અન્ય દર્દીઓથી અલગ બેસાડાય છે.

: મોટાભાગના ડોક્ટરો હવે ઓપીડી દરમિયાન પીપીઇ કિટ પહેરી રાખે છે.

: ડોક્ટરો હવે તેની સામેના દર્દીઓ વચ્ચે હવે ૬ ફૂટનું અંતર રાખે  છે.

: સ્ટેથોસ્કોપથી ચકાસવું જ પડે તેમ હોય તો પહેલા વચ્ચે દર્દી અને ડોક્ટર વચ્ચે પ્લાસ્ટિકનો પડદો રાખી દેવામાં આવે છે.

: અનેક ડોક્ટરો હવે જૂનો કેસ હોય તે  વિડિયો કોલિંગથી જ દર્દી સાથે ફોલો અપ કરે છે.

 

આઇઆઇટી દ્વારા ડિજિટલ સ્ટેથોસ્કોપ તૈયાર કરાયું

ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી-મુંબઇના વિદ્યાર્થીઓ દ્વારા ડિજિટલ સ્ટેથોસ્કોપ તૈયાર કરવામાં આવ્યું છે. જેના દ્વારા થોડા અંતરે બેઠેલા દર્દીની હાર્ટ બિટ ડોક્ટર ચકાસી શકે છે અને તે રેકોર્ડ પણ થાય તેવી સુવિધા છે. આ ડિજિટલ સ્ટેથોસ્કોપ બ્લ્યૂટૂથ દ્વારા ઓપરેટ થતું હોય છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટરો પાસે હાલમાં જે સ્ટેથોસ્કોપ જોવા મળે છે તેની શોધ ઈ.સ. ૧૮૧૬માં ફ્રાન્સના રેને લેનેક દ્વારા કરવામાં આવી હતી.

 

 

Tags :