Get The App

રેલવેના ઇન્ચાર્જ SP દ્વારા મોટાપાયે કરાયેલી બદલી વિવાદમાં ઘેરાઇ

એક પોલીસ કર્મચારીને ખુશ રાખવા અન્ય પોલીસનો ભોગ લેવાયો હોવાના આક્ષેપ ઃ ગૃહમંત્રીને પણ કરાયેલી ફરિયાદ

Updated: Jan 20th, 2020

GS TEAM

Google News
Google News
રેલવેના ઇન્ચાર્જ SP દ્વારા મોટાપાયે કરાયેલી બદલી વિવાદમાં ઘેરાઇ 1 - image

 વડોદરા, તા.20 જાન્યુઆરી, સોમવાર

પશ્ચિમ  રેલવે પોલીસમાં ઇન્ચાર્જ અધિક્ષક દ્વારા થોડા સમય પહેલા એક સાથે ૧૦૦થી વધુ કોન્સ્ટેબલો તેમજ એએસઆઇ અને પીએસઆઇની કરાયેલી બદલી વિવાદમાં ઘેરાઇ છે. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકના આદેશથી કરાયેલી આ બદલીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો  હોવાના આક્ષેપો સાથે ગૃહમંત્રીને પણ ફરિયાદ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે પશ્ચિમ રેલવેના એસપી આર.જે. પારગી તા.૩૧ મે ૨૦૧૯ના રોજ નિવૃત્ત થયા હતાં. તેઓની નિવૃત્તિ બાદ એસપીનો ચાર્જ એસસીએસટીના ડિવાયએસપી બી.એચ. જાદવને સોંપવામાં આવ્યો હતો. તેઓ ચાર માસ જેટલો સમય ઇન્ચાર્જ પદે રહ્યા હતા ત્યારે ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં મોટાપાયે પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓની બદલીઓ પોલીસ સ્ટેશનોમાંથી અસરપરસ અથવા બ્રાંચોમાં કરવામાં આવી હતી. કેટલાક કર્મચારીઓને હેડક્વાર્ટર મુકી દેવાયા હતાં.

એક પોલીસ કર્મચારીને ખુશ કરવા જતા બીજા પોલીસ કર્મચારીનો તે જગ્યા પરથી ભોગ લેવાયો હતો. આ બદલીઓ નિયમોનો ભંગ કરી કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે. સામાન્ય સંજોગોમાં ઇન્ચાર્જ પોલીસ અધિકારીને મોટાપાયે બદલીઓ કરવાનો કોઇ અધિકાર રહેતો નથી તેમ છતાં ચોક્કસ કારણ હોય તો નજીવા પ્રસંગે કોઇ કર્મચારીની બદલી કરી શકે છે. પશ્ચિમ રેલવે પોલીસના ઇન્ચાર્જ એસપી દ્વારા કરાયેલી આ બદલીના ઘેરા પ્રત્યાઘાત પડયા હતાં જેના પગલે બાદમાં એક આઇપીએસ અધિકારીને રેલવેના એસપી તરીકે મુકી દેવાયા છે. જો કે તેમનું પણ પ્રમોશન હોવાથી તેઓ આ અંગે કોઇ ધ્યાન નહી આપતા આખરે કેટલાંક નારાજ પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાની અરજી ગૃપ્ત રાખવાની શરતે ગૃહમંત્રીને ફરિયાદ કરાઇ છે.



Tags :