Get The App

વડોદરા : રાંધણ છઠની સાંજે મેયર દ્વારા બે સભા બોલાવવામાં આવતા મહિલા કોર્પોરેટરોમાં કચવાટ

Updated: Sep 4th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરા : રાંધણ છઠની સાંજે મેયર દ્વારા બે સભા બોલાવવામાં આવતા મહિલા કોર્પોરેટરોમાં કચવાટ 1 - image

વડોદરા,તા.4 સપ્ટેમ્બર 2023,સોમવાર

દર મહિને મળતી વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા પૈકી અગાઉના સમયની બાકીની (મુલત્વી) ચર્ચાની સભા મેયર દ્વારા રાંધણ છઠના દિવસે સાંજે બોલાવવામાં આવતા મહિલા કોર્પોરેટરોમાં નારાજગી જોવા મળી રહી છે. રાંધણ છઠના રોજ ટાઢી શેરી માટેની રસોઈ બનાવવાની હોવાથી મહિલા કોર્પોરેટરોએ કેટલો સમય સભામાં રોકાવવું? તે તેમના માટે ચિંતાનો વિષય ઉભો થયો છે.

પાલિકામાં પ્રત્યેક મહિને તારીખ 20 પહેલા એકવાર સભા બોલાવી ફરજીયાત છે. સભા બોલાવ્યા બાદ જો કોઈ સન્માનનિય વ્યક્તિનું નિધન થાય તો તેના માનમાં તેઓને શ્રદ્ધાંજલિ આપી સમગ્ર સભા મુલતવી કરી દેવામાં આવતી હોય છે અને મુલત્વી કરાયેલી સભા તે પછીના દિવસોમાં બોલાવવામાં આવતી હોય છે. તે મુજબ અગાઉની પાલિકાની મુલત્વી રહેલી કામની બે સભા મેયર નિલેશ રાઠોડ દ્વારા આવતીકાલે તારીખ 5 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 અને સાંજે 6 કલાકે બોલાવવામાં આવી છે. આવતીકાલે રાંધણ છઠ છે અને મહિલા કોર્પોરેટરોએ તેના બીજા દિવસની ટાઢી શેરી (સાતમ) માટેની રસોઈ કાલે સાંજે બનાવવી પડશે. તેથી મેયર દ્વારા જે સભા બોલાવવામાં આવી છે તેના દિવસ અને સમયને લઈને મહિલા કોર્પોરેટરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. કેટલીક મહિલા કોર્પોરેટરોએ આ અંગે અંદરો અંદર ચર્ચા કરી હતી. કેટલીક મહિલા કોર્પોરેટરોએ એમ પણ જણાવ્યું હતું કે, અમારે ત્યાં રસોઈવાળી બાઈ નથી અને જાતે રસોઈ કરવાની છે. ત્યારે રાંધણ છઠના દિવસે મેયરે સભા બોલાવી છે તો શું કરીશું? કેટલીક મહિલા કોર્પોરેટર એવું પણ બોલી કે, આપણે રસોઈ બનાવવાની હોય છે, ઘરના પુરુષોએ નહીં. તો આવા ખોટા સમયે બે સભા બોલાવવાથી ઘરમાં બિનજરૂરી કકળાટ પણ ઉભો થઈ શકે છે.

એક મહિલા કોર્પોરેટર હસતા એમ પણ બોલ્યા કે, થોડા સમય બાદ આગામી સભાની તારીખો આપણે (મહિલા કોર્પોરેટરે) જ નક્કી કરવાની છે. કેમ કે તા.11ના રોજ શહેરને નવા મહિલા મેયર મળી જશે. તેથી હવેથી મહિલાઓને કેન્દ્રસ્થાને રાખીને સભાની તારીખ અને સમય નક્કી થશે તે નિશ્ચિત છે.ઉલ્લેખનીય છે કે, ગત સભામાં  રજૂઆત કરવા માટે સંતોષકારક સમય ફાળવ્યો ન હોવાથી કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ નારાજગી વ્યક્ત કરી હતી અને આગામી સભામાં ઓછામાં ઓછા એક કલાક બોલવાની તેમણે જાહેરાત ગત સભામાં જ કરી દીધી હતી. ત્યારે હવે જો કાલની સભા લાંબી ચાલશે તો મહિલા કોર્પોરેટરોમાં આક્રોશ વધુ જોવા મળશે. આ તમામ વિવાદોથી બચવા હંમેશા સભાની તારીખ નક્કી કરતા અગાઉ તે દિવસે અન્ય કોઈ પ્રસંગ કે તિથિ છે કે નહીં? તે ચકાસી લેવા હિતાવહ છે.

Tags :