યુનિ.માં તમામ પ્રવેશ સમિતિ અંતે બરખાસ્ત : તમામ ડીનને જવાબદારી
- કાવાદાવા સામે કુલપતિ પણ દાવ રમ્યા : કામ કરવા આદેશ
- જે તે ફેકલ્ટીના કોર્સમાં જે તે ફેકલ્ટી ડીને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે : આજે કોમર્સ પ્રવેશ ફાળવણી અનિશ્ચિત
અમદાવાદ, તા. 21 જુલાઇ, 2020, મંગળવાર
પ્રવેશ પ્રક્રિયા મુદ્દે કેટલાક દિવસોથી ચાલતા એબીવીપીના આંદોલનમાં અંતે કુલપતિ પણ નવો દાવ રમ્યા છે અને નહેલે પે દહેલાની ચાલ રમતા કુલપતિએ તમામ પ્રવેશ સમિતિ જ વિખેરી નાખી હવે જે તે ફેકલ્ટી ડીનને નૈતિક જવાદારીના ભાગે રૂપે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની જવાબદારી સોંપી દીધી છે.
એબીવીપી દ્વારા જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી કુલપતિ સામે પ્રવેશમાં પારદર્શીતાની માંગ સાથે આંદોલન ચલાવાઈ રહ્યુ છે તે જોતા એ તો સ્પષ્ટ છે કે ભાજપના જ કેટલાક સભ્યોનો આંતરિક વિરોધ અને એબીવીપીને બાહ્ય દોરી સંચાર દ્વારા મોટા પાયે આંતરિક રાજકારણ રમાઈ રહ્યુ છે અને હજારો વિદ્યાર્થીઓના શિક્ષણનો ભોગ લેવાઈ રહ્યો છે.
એક બાજુ એબીવીપી પ્રવેશ સમિતના કેટલાક સભ્યો (જે કેટલાકને ગમતા નથી)તેને દૂર કરવાની અને એડમિશન એજન્સી બદલવાની માંગ કરે છે અને ભારે વિરોધ અને દબાણને પગલે સૌથી મોટી પ્રવેશ સમિતિ એવી કોમર્સ એડમિશન કમિટીના તમામ સભ્યો રાજીનામા આપી દે છે ત્યારબાદ કુલપતિ આજે તમામ પ્રવેશ સમિતિ વિખેરી નાખી તમામ ડીનને જવાબદારી સોંપી દે છે.
કુલપતિના આ નિર્ણય બાદ એબીવીપીના કાર્યકરો આજે વિરોધ કરવા ફરક્યા પણ નહી,જે અનેક શંકા ઉભી કરી છે. પ્રથમ ટર્મના અનુભવ બાદ શૈક્ષણિક કાર્યશૈલીની કુનેહ સાથે કાવાદાવાની કુનેહ કેળવી લેનારા કુલપતિએ સામે દાવ રમતા તમામ ફેકલ્ટીના ડીનને જ હવે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની જવાબદારી સોંપી દીધી છે.
આ સાથે આર્ટસ,કોમર્સ, સાયન્સ ,એજ્યુકેશન સહિતના તમામ ફેકલ્ટીમાં એડમિશન કમિટીઓ બરખાસ્ત થઈ ગઈ છે અને આર્ટસના ડીને આર્ટસ માટે,કોમર્સના ડીને કોમર્સ માટે,લૉના ડીને લૉ માટે,સાયન્સ ડીને સાયન્સ માટે અને એજ્યુકેશનના ડીને એજ્યુકેશન ફેકલ્ટીના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પુર્ણ કરાવાવની રહેશે.
કુલપતિએ આજે તમામને કડક આદેશ કરતા જણાવ્યુ કે પ્રવેશ એ એકેડમિકનો ભાગ છે અને ડીનની નૈતિક જવાબદારી છે. જ્યારે કોમર્સ ડીનનું કહેવુ છે કે યુનિ.તરફથી લેખિત વિગતવાર ઓર્ડર હજુ અમને મળ્યો નથી.મહત્વનું છે કે આવતીકાલે કોમર્સમાં 35 હજારથી વધુ વિદ્યાર્થીઓનુ પ્રથમ રાન્ડનું સીટ એલોટમેન્ટ છે ત્યારે એડમિશન ફાળવાશે કે કેમ તે પ્રશ્ન છે.